
દેશના પૂર્વીય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
નવી દિલ્હીઃ ઉત્તર અને પૂર્વ ભારતમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળો ઉપર પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે દેશના પૂર્વીય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હોવાનું જાણવા મળે છે. જ્યારે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર-પૂર્વ ભારતમાં ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર પડી છે.
હવામાન વિભાગે દેશના પૂર્વોત્તર વિસ્તારો અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. પૂર્વ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં 15, 16 જુલાઈના રોજ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના દેવબંધ, મુઝફ્ફરનગર, બિજનૌર, હસ્તિનાપુર, ચાંદપુર, ગઢમુક્તેશ્વર, સિયાના, અનુપશહર, શિકારપુર, પહાસુ, નરોરા અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદમાં ઘટાડો થવાની આગાહી કરી છે. જો કે, ગંગાના મેદાનોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળની તળેટી અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સાબદુ બન્યું છે.
(PHOTO-FILE)