
હિમાચલઃ મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 16 પ્રવાસીઓના મોતની આશંકા
કુલ્લુ: હિમાચલના કુલ્લુમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. મુસાફરો ભરેલી ખાનગી બસ ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા હતા. તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. બસમાં 45 લોકો સવાર હતા. જિલ્લા કમિશ્નરનું કહેવું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. બસ કુલ્લુથી સાંઈજ જઈ રહી હતી. આ બસમાં શાળાના બાળકો મુસાફરી કરી રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફરો ભરેલી બસ જંગલા નામની જગ્યા ઉપરથી પસાર થતી હતી. દરમિયાન બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રોડની સાઈડમાં ઉતરીને ખીણમાં ખાબકી હતી. જેથી બસમાં સવાર મુસાફરોથી મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ બનાવમાં 16 પ્રવાસીઓના મોત થયાનું જાણવા મળે છે. એસપી કુલ્લુ ગુરદેવ શર્માએ જણાવ્યું કે બસના અકસ્માતની માહિતી મળતા પોલીસ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
આ દૂર્ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ તમામ મૃતદેહને બહાર કાઢવાની કવાયત શરૂ કરાઈ હતી. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ અકસ્માત અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બસ દુર્ઘટના હૃદયને હચમચાવી દેનારી છે. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય. સ્થાનિક પ્રશાસન અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરી રહ્યું છે.