અમદાવાદના શાહપુરમાં હીટ એન્ડ રન, કારે ટક્કર મારતા એક્ટિવાચાલક પતિનું મોત, પત્નીને ઈજા
અમદાવાદઃ શહેરના શાહપુરમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલી કારે એક્ટિવાને અડફેટે લેતા સ્કુટકસવાર દંપત્તીમાં પતિનું મોત નિપજ્યું હતું જ્યારે પત્નીને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતના બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને આ બનાવની જાણ કરાતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ દોડી આવ્યા હતા. અકસ્માત સર્જીને કારચાલક નાસી ગયો હતો.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, શહેરના વાડજમાં રહેતા નીતિનભાઈ તેના પત્ની ગાયત્રી ભાવસાર સાથે શાહપુરમાં રહેતા સાસુને મળવા માટે ગયા હતા. જ્યાં પરિવાર સાથે સમય પસાર કર્યા બાદ પરત ફરતા સમયે એક પૂર ઝડપે આવેલી કારે નીતિનભાઈના એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માતના પગલે તેમનું એક્ટિવા હવામાં ફંગોળાઈ ગયું હતું. જેના પગલે દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ જોઈને કાર ચાલક ઘટનાસ્થળ છોડી ફરાર થઈ ગયો હતો. આ હિટ એન્ડ રનના બનાવની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં એક્ટિવાચાલક નીતિનભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની ગાયત્રીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને સીસીટીવીના કૂટેજ મેળવીને કારચાલકને પકડી લેવા તજવીજ હાથ ધરી હતી.
અમદાવાદ શહેરમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. બે દિવસ અગાઉ માતા અને દીકરી YMCA ક્લબ રોડને ક્રોસ કરી રહ્યા હતા. આ સમયે અચાનક પૂર ઝડપે આવેલી કારે માતા અને દીકરીને ટક્કર મારી દીધી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ કાર ચાલકે પૂર ઝડપે કાર દોડાવી દીધી હતી. ગણતરીની સેકન્ડોમાં અહીં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. અન્ય એક બીજા અકસ્માતમાં હાટકેશ્વર વિસ્તારમાં ટૂ વ્હિલર પર જઈ રહેલી મહિલાને કાર ચાલકે અડફેટે લીધી હતી. તેનું પણ ઘટનાસ્થળે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે કાર ચાલક અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આમ શહેરમાં હીટ એન્ડ રનના બનાવો વધતા જાય છે..
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

