વાવાઝોડાની દહેશતને લીધે રાજકોટ શહેર- જિલ્લામાં 14 અને 15મીએ શાળા- કોલેજોમાં રજા
રાજકોટઃ વાવઝોડાની સંભવિત આપત્તિને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ 14મી અને 15મી જૂને શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રભારી મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
રાજ્યના કૃષિમંત્રી અને જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલે જિલ્લા કલેકટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર, રાજકોટ મહાનગરપાલિકા તંત્ર, શહેર પોલીસ તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર ના ઉચ્ચ અધિકારીઓ રહ્યા બેઠકમાં હાજર રહ્યાં હતા. બિપોરજોય વાવાઝોડા અંગે આ બેઠકમાં પીજીવીસીએલની કામગીરીની સમીક્ષા કરી સૂચનો કરવામાં આવ્યા હતા. વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી ને કામગીરી કરવા આવી રહી છે સક્ષમ સરકારી તંત્રની સાથે રાજકોટની જુદી જુદી સ્વેભાવી સંસ્થાઓ પણ એલર્ટ કરવામાં આવી છે. જિલ્લામાં ઓછામાં ઓછું નુકસાન થાય તે પ્રાથમિકતા હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર ‘બિપોરજોય’ વાવાઝોડું આગામી તા. 14 અને 15નાં રોજ સૌરાષ્ટ્ર સુધી પહોંચવાની શક્યતા છે. ગઈકાલથી જ રાજકોટ શહેરમાં વાવાઝોડાની અસરે ભારે પવન ફૂંકાવા લાગ્યો હોવાથી મનપા તંત્ર એલર્ટ થયું છે. અને શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા મોટા અને ભયજનક હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે. આવા હોર્ડિંગ્સ ભારે પવનને કારણે પડતા જાનહાની થવાની શક્યતાઓ હોવાથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી મનપાની જગ્યા રોકાણ અને દબાણ હટાવ શાખાની જુદી-જુદી ટીમો શહેરના રેસકોર્સ, કાલાવડ રોડ, અતિથિ ચોક, પર્ણફૂટી સોસા., રાજનગર ચોક તેમજ મવડી રોડ સહિતના વિસ્તારોમાં ફરી રહી છે. તેમજ કોઈપણ સ્થળે મોટા કે ભયજનક હોર્ડિંગ્સ જોવા મળે તેને હટાવવામાં આવી રહ્યા છે. બપોર સુધીમાં મનપા દ્વારા 500 કરતા વધુ હોર્ડિંગ્સ અને બેનરો હટાવવામાં આવ્યા છે. આ કામગીરી દિવસભર ચાલુ રાખવામાં આવનાર છે. જેમાં વેપારીઓએ દુકાન બહાર લગાવેલા મોટા બેનરો હટાવી લેવાની સૂચના પણ આપવામાં આવી રહી છે.