
ન્યૂઝીલેન્ડની સામેની મેચમાં ભારતીય ટીમમાં શમી અને અશ્વિનમાંથી એકને સ્થાન મળવાની આશા
નવી દિલ્હીઃ ભારતમાં આઈસીસી વર્લ્ડકપ રમાઈ રહ્યો છે, દરમિયાન ભારતીય ટીમનો ઓલ રાઉન્ડ ખેલાડી હાર્દિક પંડ્યા ઈજાને કારણે આવતીકાલે રવિવારે રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની મેચ રમી શકશે નહીં. હવે હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં કોને સ્થાન આપવામાં આવે છે તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. હાર્દિક પંડ્યાના બદલે હવે બોલીંગ અને બેટીંગ કરી શકે તેવા પ્લેયરનો સમાવેશ કરવામાં આવશે. આ મેચમાં ભારતીય ટીમ હાર્દિક પંડ્યા વગર ઉતરશે. હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે કેપ્ટન રોહિત શર્મા મોહમ્મદ શમી કે રવિચંદ્રન અશ્વિનમાંથી કોઇ એક ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરે ધરમશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ રમાશે.
આઈસીસીની વર્લ્ડકપની ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પૂણેમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે હરિફ બાંગ્લાદેશને પરાજીત કરી હતી. આ મેચમાં બાંગ્લાદેશની બેટીંગ દરમિયાન 9મી ઓવર હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના ત્રીજા બોલમાં બેસ્ટમેન લિટન દાસે સ્ટ્રેટ ડ્રાઈવ ફટકારી હતી. દરમિયાન પંડ્યા આ બોલને રોકવાના પ્રયાસમાં ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સ્ટેડિયમની બહાર લઈ જવાયો હતો. જ્યારે બાકીના 3 બોલ વિરાટ કોહલીએ નાખ્યાં હતા. દરમિયાન ઈજાના કારણે હાર્દિક પંડ્યા રવિવારે યોજનારી ન્યૂઝીલેન્ડ સામેની મેચ ગુમાવશે. જેથી ભારતીય ટીમને પેસ એટેકને અસર પડવાની શકયતા છે. ધરમશાળાના ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 7 વન-ડે મેચ રમી છે. જેમાં ફાસ્ટ બોલરોએ 69 વિકેટ અને સ્પિનર્સે 34 વિકેટ ઝડપી છે. એવામાં પેસ એટેકને મજબૂત કરવો ઘણુ મહત્ત્વનું છે. વર્લ્ડકપ પોઈન્ટ ટેબલમાં હાલ આઠ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને ન્યૂઝીલેન્ડ અને બીજા ક્રમે આઠ પોઈન્ટ સાથે ભારતીય ટીમ બિરાજમેન છે.