 
                                    પાકિસ્તાન હવે કેટલું જોખમી છે?
(સ્પર્શ હાર્દિક)
જી-ટ્વેન્ટીના એક કાર્યક્રમમાં વિદેશમંત્રી એસ. જયશંકરને કહેવામાં આવે છે, ‘આજકાલ મીડિયામાં હવે કોઈ પણ વાતચીત પકિસ્તાનના ઉલ્લેખ વગર જ પૂરી થઈ જાય છે.’ આ ટીપ્પણી પર એસ. જયશંકર ખુલાસો આપે છે કે, “આ તો માર્કેટના ફેંસલા જેવું છે. ખોટમાં જતા સ્ટોકની વાતો કોણ કરે?” આજે સમગ્ર વિશ્વ પકિસ્તાનને એક નિષ્ફળ અને આતંકવાદના પ્રેરક દેશ તરીકે જાણે છે. એનું અર્થતંત્ર ખાડે ગયું છે અને લાંબી કે ટૂંકી, કોઈ પણ પ્રકારની દૃષ્ટિ ન ધરાવતો આ આંધળો દેશ પડી ભાંગવાની અણી પર હોવાનું જણાઈ રહ્યું છે.
આઝાદી પછીના દાયકાઓમાં પાકિસ્તાન કરતાં ચીન વધુ બળવાન હોવા છતાં પાકિસ્તાન આપણું દુશ્મન નંબર વન રહ્યું હતું. પોતાને જાતે જ લિબરલ અને સેક્યૂલર જાહેર કરનાર મંડળીઓ પાકિસ્તાન સાથે પ્રેમ અને મૈત્રી દર્શાવવાની નકામી વાતો કરતી રહેલી અને પાકિસ્તાને આપણને નફરત અને હિંસા સિવાય કશું જ ન આપ્યું. અલબત્ત, પાકિસ્તાન કે ચીનને આપણે દુશ્મન રાષ્ટ્રો કહીએ ત્યારે વાત થતી હોય છે ત્યાંની સિસ્ટમની, સરકારની અને સત્તાની. આ બંને દેશોનાં ઘણાં બધાં સામાન્ય લોકો તો ભારતને ભાઈ કે પડોશી જ માનતાં હોય અને જો કોઈ ભારતીય મળે તો હૂંફ અને પ્રેમથી એમને આવકારતાં પણ હોય. એ તમામ વાતો પોતાની જગ્યાએ ખરી છે, પરંતુ એનાથી એક સત્તા તરીકે આ રાષ્ટ્રો ભારતને નુકસાન જ કરતાં રહ્યા છે અને હજુ પણ કરતા રહેશે એ હકીકત નથી પલટાઈ જતી.
આજે આપણી પાસે જે ઇન્ટરનેટ છે, એ જ ઇન્ટરનેટ પાકિસ્તાન પાસે પણ છે. ત્યાંનાં જાગૃત લોકો અને ખાસ કરીને યુવા પેઢી ભારતના વધતા પ્રભાવ, ભારતે યોગ્ય દિશામાં લીધેલા નિર્ણયો અને તેના સારા પરિણામોથી વાકેફ થઈ રહ્યા છે. પોતાના દેશની વિશ્વમંચ પર કશી જ કિંમત નથી રહી એ કડવી વાસ્તવિકતા પણ તેઓ જાણી રહ્યા છે અને પડદા પાછળથી સત્તા ચલાવતી આર્મી સામે એમનો રોષ પણ વધી રહ્યો છે. આપણા માટે પાકિસ્તાન હવે પહેલાં જેટલો ગંભીર પ્રશ્ન નથી રહ્યો અને ભારતે એના ઉપદ્રવને ખાસ્સું કાબૂમાં રાખ્યું છે, એ સિદ્ધિ દરેક ભારતીય માટે ગર્વ લેવા જેવી છે, પરંતુ ગંભીર પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પાકિસ્તાન ન્યૂટ્રલાઇઝ થઈ ગયું છે? એની જે સમસ્યાઓ કે દૂષણો ભારત માટે હાનિકર્તા હતા, એ કેટલા અંશે ખતમ થયા છે?
પાકિસ્તાન નામના પાયા વગરના રાષ્ટ્રના નિર્માણ પાછળ બ્રિટિશ સત્તાનો સ્વાર્થ એ હતો કે દક્ષિણ એશિયામાંથી એમનો પ્રભાવ સાવ ચાલ્યો ન જાય અને એમની પાસે એક સલામત ગઢ અહીં હોય. મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રના વિચારને બ્રિટિશ સત્તાએ પોતાની ક્લાસિક ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ પ્રમાણે હાથો બનાવી આ સ્વાર્થ સિદ્ધ કર્યો. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સત્તાનો સૂર્ય આથમ્યો અને અમેરિકાનો ઉદય થયો એટલે આ ગઢ પરની માલિકી જાણે અમેરિકા પાસે આવી અને રશિયાને વિસ્તરતું અટકાવવા માટે અમેરિકાએ અહીં સારું એવું જોર લગાવેલું. સાથે એણે પાકિસ્તાનને પાળવા-પોસવાનું શરૂ કરેલું અને અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરમિયાન પાકિસ્તાન એમને ઘણું કામ પણ લાગ્યું. હવે, નવી સદીમાં અમેરિકાએ અફઘાનિસ્તાનને અલવિદા કહ્યી દીધું છે ત્યારે પાકિસ્તાનની એમને શું જરૂર, એવો સવાલ ઊભો થાય. એ ચીનના પડખામાં ઘૂસી જાય એવું પણ અમેરિકા નથી ઇચ્છતું અને આપણા માટે પણ એવું થાય તો ખતરનાક.
રશિયા અને ચીન વચ્ચે સંબંધો ગાઢ થતા દેખાવાનું શરૂ થયું એટલે ભારતે હવે અમેરિકાને મહત્વ આપવાનું શરૂ કર્યું છે, પણ જો અમેરિકા પહેલાંની જેમ જ પાકિસ્તાનને આપણી વિરુદ્ધ, આપણને નિયંત્રણમાં રાખવાના હથિયાર તરીકે વાપરતું રહે, તો એ પણ પોસાય નહીં. એક સંભાવના એવી જોવાઈ રહી છે કે, જાતભાતના પરિબળો અને આંતરિક સંઘર્ષોને કારણે પાકિસ્તાનનું પતન અને વિભાજન થઈ જશે. અંતે એનો પાવર નબળો પડશે. આવું થવું ઘણે અંશે શક્ય જ છે, કેમ કે બલોચિસ્તાનમાં અલગતાવાદી ચળવળ લાંબા સમયથી ચાલી રહી છે. અને ખનિજ સંસાધનોથી સમૃદ્ધ આ પ્રાંત પર આસપડોશના દેશોની નજર હોવાની જ. ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતમાં પશ્તો ભાષી લોકોની બહુમતી છે અને પાકિસ્તાન સર્જાયું એ પહેલાંથી જ એમની અલગ દેશની માંગણી હતી. એટલે ત્યાં પણ એક મોટી તિરાડ સર્જાઈ શકે, જેના પરિણામે આ પ્રાંત અંતે અફઘાનિસ્તાનમાં ભળી શકે. સિંધ પ્રાંતમાં હિન્દુ, શીખ, પારસી, જૈન, બૌદ્ધ, યહૂદી, ખિસ્તી જેવી ત્યાંની ધાર્મિક લઘુમતી પ્રજાનું પ્રમાણ નોંધપાત્ર છે. જેને આપણે પી.ઓ.કે. કહીએ છીએ, એનો મહત્તમ હિસ્સો ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પડે છે. ત્યાં પણ પાકિસ્તાની સત્તા પ્રત્યે અસંતોષના અવાજો જાગી રહ્યા છે. થોડા દિવસ પહેલાંના જ સમાચાર હતા કે, ત્યાં શિયા પંથના કોઈ માણસની ઈશનિંદાના કેસમાં ધરપકડ થયેલી, જેના વિરોધમાં ખાસ્સા મોટા ટોળાએ ભારત સાથે જોડાવાની વાત કહેતા “ચલો કારગિલ ચલો” નારા લગાવ્યા હતા.
પાકિસ્તાનના પતનથી સૌથી મોટો ખતરો પરમાણુ હથિયારોનો સર્જાય. આ હથિયારો અત્યંત દુષ્ટ સત્તાધિશોના હાથમાં આવી ચડે અને એ અવિચારી પગલું ભરીને ભારત સામે એનો ઉપયોગ કરે તો કલ્પના બહારનું નુકસાન થાય અને ભારતે પણ નાછૂટકે પરમાણુ શસ્ત્રો વાપરવા પડે. આવી સ્થિતિ ભારત ઉપરાંત સમગ્ર માનવજાતિ માટે ખોટું ઉદાહરણ બને. તેમ છતાં આશા રાખી શકાય કે પરમાણુ શસ્ત્રો કોઈ પણ સત્તાધિશ એના પરિણામોથી વાકેફ હોવાથી નહીં જ વાપરે. યુક્રેન સામે રશિયા લાંબા સમયથી યુદ્ધે ચડેલું છે, તો પણ હજુ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ નથી થયો એ માનવજાતિમાં આપણા વિશ્વાસને દૃઢ બનાવનારી વાત છે.
પરમાણુ યુદ્ધના ડર ઉપરાંત પડોશી દેશની અન્ય આંતરિક સમસ્યાઓ પણ આપણને અસર કરે, એનો આપણને એક અનુભવ છે જ. બાંગ્લાદેશ સર્જાયું એ પહેલાં નિરાશ્રિતોના ધાડાંઓ ભારતમાં આવી ચડેલાં. પાકિસ્તાનનું પતન થાય તો ત્યાંથી ત્રાસેલી પ્રજાના ટોળાઓ સરહદો ઓળંગી ભારતમાં નહીં પ્રવેશે એની કોઈ ખાતરી નથી. માનવતાવાદી બનીને વિચારવું અને એવી બધી આદર્શવાદી વાતો એક તરફ રાખીએ તો, આ સંભવિત પાકિસ્તાની નિરાશ્રિતોની માનસિકતા ભારત દેશને અનુકૂળ ન હોય એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી. નિરાશ્રિતો જે દેશમાં આશ્રય લે, એ દેશની સંસ્કૃતિ, બંધારણ તથા કાયદા મુજબ ઠળે એ જરૂરી છે. યુરોપમાં નિરાશ્રિતોને કારણે કેવી સમસ્યાઓ જન્મી છે એ આપણે આજે જાણીએ જ છીએ. કોઈ પણ સમુદાયે પોતાના ધર્મ અને સંસ્કૃતિને કેવી રીતે આશ્રય આપનારા દેશના વાતાવરણમાં ઢાળવા, એનું શ્રેષ્ઠ ઉદાહરણ પારસીઓ પણ છે અને આજના સમયમાં વિશ્વભરમાં જઈને વસેલા હિન્દૂઓ પણ છે.
ખેર, પાકિસ્તાનનું જો પતન થાય તો શું પગલાં ભરવા એની કોઈ રૂપરેખા ભારત સરકાર પાસે હશે કે એના પર સરકાર વિચારી રહી હશે એવી આશા રાખીએ. સાથે, પાકિસ્તાન પડોશી હોવાથી એને આપણે કદી બદલી શકીશું નહીં, પણ એના સત્તાધિશોમાં સદબુદ્ધિ આવે અને એક દેશ તરીકે તે સ્થિર થઈને આપણા માટે હજુ પણ ઓછું ખતરનાક બને એવી પ્રાર્થના કરી શકાય. કેમ કે, જો પાકિસ્તાન કાયમ આપણા માટે સમસ્યા બની રહે તો આપણા સુરક્ષાતંત્રનો ઘણો સમય, શક્તિ અને પૈસા એની પાછળ જ ખર્ચાયા કરે.
hardik.sparsh@gmail.com
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

