લોકસભામાં ભારે હોબાળો: કોંગ્રેસ-CPMના 8 સાંસદો બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરાયાં
નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: સંસદના બજેટ સત્ર દરમિયાન લોકસભામાં થયેલા અભૂતપૂર્વ હંગામા બાદ સ્પીકર ઓમ બિરલાએ શિસ્તભંગ બદલ કડક વલણ અપનાવ્યું છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ટેબલ પર ચઢવા અને સ્પીકરની ખુરશી તરફ કાગળો ફેંકવા બદલ વિપક્ષના 8 સાંસદોને વર્તમાન બજેટ સત્રની બાકીની અવધિ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસના અમરિંદર સિંહ રાજા વડિંગ, ડીન કુરિયાકોસ, કિરણ કુમાર રેડ્ડી, મણિકમ ટાગોર, ગુરજીત સિંહ ઔજલા, હિબી ઈડન,પ્રશાંત પોડોલે અને સીપીએમના એસ. વેંકટેશ્વરનનો સમાવેશ થાય છે.
લોકસભામાં રાહુલ ગાંધી જ્યારે સંબોધન કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષી સાંસદો વેલમાં ધસી આવ્યા હતા. કેટલાક સાંસદો સ્પીકરના ટેબલ પર ચઢી ગયા હતા અને ગૃહની મર્યાદાનો ભંગ કરીને કાગળો ઉછાળ્યા હતા. સ્પીકર ઓમ બિરલાએ આ ઘટનાને ‘આસનની અવમાનના’ ગણાવી હતી. અગાઉ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ સ્પીકર સાથે મુલાકાત કરીને આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ કાર્યવાહી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે સરકારને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, “રાહુલ ગાંધી પોતાની ફરજ બજાવી રહ્યા છે અને સરકાર તેમને રોકી રહી છે. જો સરકારમાં હિંમત હોય તો અમારા સાંસદોને સસ્પેન્ડ કરીને બતાવે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસના જ નહીં પરંતુ સમગ્ર વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવાની હિંમત સરકાર કરે. વેણુગોપાલના આ નિવેદન બાદ સ્પીકરે લીધેલા આ એક્શનથી રાજકીય માહોલ ગરમાયો છે. આ આઠ સાંસદો હવે બાકીના બજેટ સત્રની કામગીરીમાં ભાગ લઈ શકશે નહીં. વિપક્ષે આ નિર્ણયને લોકશાહીની હત્યા ગણાવ્યો છે, જ્યારે સત્તાપક્ષે તેને ગૃહની ગરિમા જાળવવા માટેનું જરૂરી પગલું ગણાવ્યું છે.
આ પણ વાંચોઃ અમદાવાદ, સુરત સહિત ચાર મહાનગરોમાં હવામાં પ્રદૂષણના પ્રમાણમાં ચિંતાજનક વધારો


