Homeગુજરાતીગુજરાતદેશની ભાવિ પેઢીને સુરક્ષિત કરવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશેઃ રાજ્યપાલ

દેશની ભાવિ પેઢીને સુરક્ષિત કરવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશેઃ રાજ્યપાલ

ગાંધીનગર, 26 માર્ચ 2026: Natural farming must be adopted રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને વડોદ ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ મંચ પરથી પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.

આ તકે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન થકી અનેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રધાનમંત્રીનું વિઝન છે કે, સમગ્ર દેશમાં ઝેરમુક્ત ખેતી થાય.

રાજ્યપાલએ જણાવ્યું કે, રાસાયણિક ખાતરના વપરાશથી જમીનના જૈવિક કાર્બનમાં મોટાપાયે ઘટાડો થયો છે. આઝાદીના સમયમાં દેશની જમીનમાં ૨ થી ૨.૫ ટકા જૈવિક કાર્બન હતો. જે ઘટીને ૦.૨ થી ૦.૫ ટકા થઈ ચૂક્યો છે. ૦.૫ ટકાથી ઓછો જૈવિક કાર્બન હોય તે જમીન બીનઉપજાઉ હોય છે. આવી જમીન પાણી પણ સંગ્રહ કરી શકતી નથી. જો આવી જ સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં પીવાના પાણીની પણ સમસ્યા સર્જાશે. આ તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં છે. પ્રાકૃતિક ખેતીથી ધરતીમાં ઓર્ગેનિક કાર્બન વધે છે. જમીન પોચી અને ફળદ્રુપ બને છે.

રાજ્યપાલએ ઉમેર્યું કે, રાસાયણિક ખાતરના વપરાશથી કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ સહિતની બીમારીઓ વધી રહી છે. રાસાયણિક ખેતીથી દેશની આર્થિક પરિસ્થિતિ, લોકોનું સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર અસર થાય છે. ખેતીમાં યુરિયાના ઉપયોગથી નાઈટ્રસ ઓક્સાઈડ ગેસ પેદા થાય છે. જે કાર્બન ડાયોક્સાઈડ કરતાં ૩૧૨ ગણો ખતરનાક છે. સ્વસ્થ ખોરાકની માંગને ધ્યાનમાં રાખીને આજે દેશમાં ફેમિલી ડોક્ટરની જગ્યાએ ફેમિલી પ્રાકૃતિક ખેડૂતની વધુ જરૂર છે.

રાજ્યપાલએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ છે. જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે જમીન આસમાનનું અંતર છે. છેલ્લા ૩૦ વર્ષના અનુભવો ઉપરથી સિદ્ધ થયું છે કે જૈવિક ખેતીથી ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી, જ્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદનની સાથે જમીનની ફળદ્રુપતા પણ વધે છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું મળે છે એ વાત સંદતર ખોટી છે. પ્રાકૃતિક ખેતી કુદરતી ખેતી છે જેમાં બહારથી કોઈ ઈનપુટ લેવામાં આવતા નથી, જ્યારે જૈવિક ખેતીમાં બહારથી ઇનપુટ લેવામાં આવે છે.

આ પ્રસંગે ધારાસભ્ય  બાબુભાઈ પટેલ, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક  ઓમપ્રકાશ જાટ, જિલ્લા ખેતીવાડી અધિકારી, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર તથા જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular