માનવો માણસાઈ ભૂલ્યાઃ ગીરસોમનાથમાં 25 શ્વાનને બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારાયાં
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને શ્વાનથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાં માનવતાને નેવે મુકીને કેટલાક લોકોએ સફાઈના નામે 25 જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દરમિયાન પશુપ્રેમીઓએ શ્વાન સાથે ક્રુરતા કરનારા શખ્સો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગીરસોમનાથ જિલ્લામાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કેટલાક લોકો એરડીમાં પુરીને શ્વાનને મારતા હાવોનું કેદ થયું છે. આ વીડિયો આજોઠા ગામનો હોવાનું કહેવાય રહ્યું છે. સમુહલગ્ન નિમિત્તે સફાઈના નામે કેટલાક શખ્સોએ 25 જેટલા શ્વાનને ક્રુરતાપૂર્વક માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાંનું મનાઈ રહ્યું છે. રાસસીકૃત્ય આચરનારા શખ્સોએ ગામમાં ખૂણે-ખૂણેથી શ્વાનને શોધીને બોથડ પદાર્થ વડે માર મારીને ક્રુરતા પૂર્વક તેમને મોતને ઘાટ ઉતાર્યાં હતા. આ શખ્સોએ શ્વાનોએ દમ ન તોડ્યો ત્યાં સુધી તેમની ઉપર અત્યાચાર ગુજારતા રહ્યાં હતા. એટલું જ નહીં આ શખ્સોએ નાના ગલુડિયાઓને પણ કોથળામાં પુરીને બેરહેમીથી માર્યાનું જાણવા મળે છે. આ શખ્સોએ લાકડીઓ અને લોખંડની પાઈપ વડે શ્વાનોને માર માર્યો હતો.
સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. તેમજ આ કૃત્ય આચરનારા શખ્સો સામે આકરીમાં આકરી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. બીજી તરફ ગ્રામના આગેવાનોએ આવો કોઈ જ બનાવ નહીં બન્યો હોવાનો લુલો બચાવ કર્યાં હતો.
(Photo-file)