ISI ભારતીય સુરક્ષા અને અર્થતંત્રને નુકસાન પહોંચાડવા મોટાપાયે સાયબર હુમલા કરે તેવી ભિતી, IB નું એલર્ટ
નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: ભારતની ગુપ્તચર એજન્સીઓએ એક અત્યંત ગંભીર એલર્ટ જારી કર્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ભારતની સુરક્ષા અને અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે મોટા પાયે સાયબર હુમલાની યોજના બનાવી રહી છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના અહેવાલ મુજબ, આઈએસઆઈ અધિકારીઓએ તાજેતરમાં અનેક બેઠકો કરી છે, જેનો મુખ્ય હેતુ ભારતીય સંરક્ષણ સંસ્થાઓ અને નાણાકીય માળખાને ઠપ કરવાનો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલાઓને અંજામ આપવા માટે પાકિસ્તાને તેની સ્પેશિયલ સાયબર ફોર્સને મેદાનમાં ઉતારી છે. આ ઉપરાંત, કુખ્યાત હેકર જૂથોને પણ સક્રિય કરવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓના 2025ના આંકલનમાં પણ ચેતવણી આપવામાં આવી હતી કે 2026માં પાકિસ્તાન તરફથી થતા સાયબર હુમલાઓ ભારત માટે સૌથી મોટો ખતરો સાબિત થશે.
રિપોર્ટ મુજબ, આઈએસઆઈ આ વખતે HOAX1337 અને નેશનલ સાયબર ક્રૂ જેવા ખતરનાક હેકર જૂથોનો ઉપયોગ કરવાની ફિરાકમાં છે. આ જૂથોનો પ્રાથમિક ટાર્ગેટ ભારતનું સંરક્ષણ ક્ષેત્ર છે. તેમનો હેતુ ભારતીય સેનાના નેટવર્કને ખોરવી નાખવાનો અને અત્યંત ગોપનીય માહિતીની ચોરી કરવાનો છે.
માત્ર ડિજિટલ હુમલા જ નહીં, પરંતુ જમીની સ્તરે પણ જાસૂસી નેટવર્ક ફેલાવવામાં આવ્યું છે. ગાઝિયાબાદ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે કેટલાક લોકોએ સંવેદનશીલ વિસ્તારોમાં સોલર પાવરથી ચાલતા સીસીટીવી કેમેરા લગાવીને પાકિસ્તાની હેન્ડલર્સને સીધું ‘લાઇવ ફીડ’ મોકલ્યું હતું. રેલવે સ્ટેશનો પણ આ જાસૂસી નેટવર્કના નિશાના પર હોવાનું જાણવા મળ્યું છે.
ISI આ વખતે બેવડી રણનીતિ પર કામ કરી રહી છે. એક તરફ ટેકનિકલ હુમલા અને બીજી તરફ સોશિયલ મીડિયા દ્વારા પ્રોપેગેન્ડા ફેલાવશે. આગામી ચૂંટણીના માહોલને જોતા ભ્રામક પ્રચાર કરવામાં આવશે. તેલ અને એલપીજીના ભાવ વધારા અંગે નકલી મેસેજ અને કોલ્સ દ્વારા ગભરાટ ફેલાવવાની યોજના છે, જેથી બજારમાં કાળાબજારી વધે. શિક્ષણ અને ઉડ્ડયન જેવા ક્ષેત્રો છે જ્યાં સામાન્ય અફવા પણ મોટી અફરાતફરી મચાવી શકે છે, તેથી અહીં પણ વિશેષ તકેદારી રાખવાની સલાહ અપાઈ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે પાકિસ્તાન મોટી રકમ ખર્ચ કરી રહ્યું છે. પાકિસ્તાની મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ભારતની છબી ખરડવા માટે કરવામાં આવી રહ્યો છે. જોકે, ભારત સરકારની ફેક્ટ-ચેક ટીમો અને સાયબર નિષ્ણાતો સતત આવી ખોટી માહિતીનું ખંડન કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ રૂપિયામાં જોરદાર રિકવરી: RBI ના પગલાંથી ડોલર સામે રૂપિયો 93.19 થયો


