Homeગુજરાતીભારતમાં 87 ટકા વયસ્કો અસામાન્ય કોલેસ્ટ્રોલથી પીડિત: ICMR રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભારતમાં 87 ટકા વયસ્કો અસામાન્ય કોલેસ્ટ્રોલથી પીડિત: ICMR રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી, 20 જુલાઈ 2026: જો તમે પણ એવું માનતા હોવ કે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા માત્ર સ્થૂળતા (ઓબેસિટી) કે વધતી ઉંમરના લોકોને જ થાય છે, તો આ સમાચાર તમને જાગૃત કરવા માટે પૂરતા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશના લગભગ 87  ટકા વયસ્કો કોઈને કોઈ પ્રકારની અસામાન્ય કોલેસ્ટ્રોલ (ડિસલિપિડેમિયા)ની સમસ્યાથી ઝૂમી રહ્યા છે. એટલે કે દેશના દર 10 માંથી 9 લોકોના શરીરમાં ગુડ અને બેડ કોલેસ્ટ્રોલનું સંતુલન બગડેલું છે.

વજન પરથી કોલેસ્ટ્રોલનો અંદાજ મેળવવો ભૂલભરેલો

ICMR-INDIAB અભ્યાસ હેઠળ દેશભરના 23665 લોકોના લિપિડ પ્રોફાઈલનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ દર્શાવે છે કે, ડિસલિપિડેમિયાનો અર્થ માત્ર ખરાબ (LDL) કોલેસ્ટ્રોલ વધવું જ નથી, પરંતુ ગુડ (HDL) કોલેસ્ટ્રોલ ઘટવું અથવા ટ્રાઈગ્લિસરાઈડ્સનું પ્રમાણ વધવું પણ છે. તંદુરસ્ત અને સામાન્ય વજન ધરાવતા લોકો પણ આ બીમારીનો ભોગ બનેલા જોવા મળ્યા છે, તેથી માત્ર વજન ઓછું હોવાથી કોલેસ્ટ્રોલ નોર્મલ હશે તેવું માનવું ભૂલભરેલું છે.

શહેરી મહિલાઓ અને 30 થી 39 વર્ષના યુવાનોમાં વધુ જોખમ

અભ્યાસમાં સામે આવ્યું છે કે 30 થી 39 વર્ષની વયના લોકોમાં અસામાન્ય કોલેસ્ટ્રોલનું જોખમ સૌથી વધુ છે અને તેની શરૂઆત 30 વર્ષની આસપાસ જ થઈ જાય છે. આ ઉપરાંત, ગ્રામીણ મહિલાઓની સરખામણીએ શહેરી મહિલાઓમાં આ જોખમ વધુ જોવા મળ્યું છે. પ્રોસેસ્ડ ફૂડ, કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવાની ટેવ અને શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ આ માટે મુખ્યત્વે જવાબદાર છે.

નિષ્ણાતોની સલાહ અને નિવારણના ઉપાયો

ડાયાબિટીસ નિષ્ણાત ડૉ. આર. એમ. અંજનાના જણાવ્યા અનુસાર, હવે અસામાન્ય કોલેસ્ટ્રોલ મોટાભાગના ભારતીયોમાં સામાન્ય બની ગયું છે. નિષ્ણાતો સલાહ આપે છે કે, 30 વર્ષની ઉંમર પછી દર વર્ષે લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ કરાવવો. તળેલા, પ્રોસેસ્ડ અને જંક ફૂડથી દૂર રહેવું. રોજિંદા જીવનમાં નિયમિત વ્યાયામ અને પૂરતી ઊંઘ લેવી. ધૂમ્રપાન અને દારૂના સેવનથી બચવું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular