અમદાવાદઃ દેશમાં જીએસટીની આવક વધતા જાય છે. મોટાભાગના કરદાતાઓ પ્રમાણિકતાથી કર ભરી દેતા હોય છે.જ્યારે કેટલાક લોકો ગમે તેમ કરીને કરચોરી કરી લેતા હોય છે. વેપારીઓ દર વર્ષે રિટર્ન ભરતા હોય છે. વિભાગ દ્વારા પણ રિટર્નની સ્કુટીની કરીને વેપારીઓ ટેક્સની ચેરી તો નથી કરતા તેની તપાસ કરતી હોય છે. સરકાર દ્વારા જીએસટીમાં કેટલાક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કરદાતાએ પાછલાં વર્ષોના રિટર્ન ભરવાના બાકી હોય તો તેમનો જીએસટી નંબર 1 એપ્રિલથી બંધ કરી દેવાશે. નવા નિયમ પ્રમાણે કરદાતા પાછલા ત્રણ વર્ષના રિટર્ન ભરી શકશે તેના કરતા વધારે સમયના બાકી હશે તો રિટર્ન ફાઇલ કરી શકાશે નહીં. બાકી રિટર્નના કારણે તેમના નંબર કાયમી ધોરણે રદ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં જીએસટી અમલમાં આવ્યો ત્યારથી રિટર્ન ફાઇલ કરવા માટેની સમય મર્યાદા નક્કી કરવામાં આવી ન હતી. પરંતુ હવે ઇન્કમટેકસમાં જે પ્રમાણે છેલ્લા વર્ષનું રિટર્ન ફાઇલ કરી શકાય છે તે રીતે જીએસટીમાં પણ કરી શકાશે. જોકે ત્રણ વર્ષના જ રિટર્ન ભરી શકાશે. બોગસ બિલિંગ અટકાવવા છેલ્લા બે જીએસટીઆર-3બી રિટર્ન નહીં ભરનારા કરદાતાના જીએસટી નંબર રદ કરાતા હતા. પરંતુ જો કરદાતા બાકી રિટર્ન ફાઇલ કરી દે તો તેમનો નંબર ફરી કાર્યરત કરી દેવામાં આવતો હતો. પરંતુ હવે કરદાતાના પાછલા ત્રણ વર્ષના રિટર્ન ફાઇલ કરવાનો નિયમ લાગુ કરવામાં આવશે. બજેટમાં પણ તેની જોગવાઇ કરી દેવામાં આવી છે. જો કરદાતાના બાકી રિટર્ન ફાઇલ કરવામાં નહીં આવે તો તેમના નંબર કાયમી ધોરણ રદ કરી દેવામાં આવશે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર જીએસટીમાં રિટર્ન ભરવાની મુદત નક્કી કરવામાં નહીં આવી હોવાથી હજુ પણ અનેક કરદાતાઓના રિટર્ન 2017ના વર્ષથી બાકી છે.