1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં બોર્ડના પરીક્ષાર્થીઓને મુશ્કેલી હશે, તો ટ્રાફિક પોલીસ જવાનો કેન્દ્રો પર પહોંચાડશે
સુરતમાં બોર્ડના પરીક્ષાર્થીઓને  મુશ્કેલી હશે, તો ટ્રાફિક પોલીસ જવાનો કેન્દ્રો પર પહોંચાડશે

સુરતમાં બોર્ડના પરીક્ષાર્થીઓને મુશ્કેલી હશે, તો ટ્રાફિક પોલીસ જવાનો કેન્દ્રો પર પહોંચાડશે

0
Social Share

સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતી કાલથી એટલે કે તા.11મી માર્ચને સોમવારથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે શહેર ટ્રાફિક પોલીસે આયોજન કર્યું છે. શહેરના 36 ટ્રાફિક જેટલા સેન્ટર ઉપર ટ્રાફિક પોલીસના ત્રણ બાઈક સાથે જવાનો ઉપસ્થિત રહેશે. જે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં મદદ કરશે.

ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાલે સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ન ફસાય અને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા એક હેલ્પ લાઈન નબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના પર કોલ કરવાથી મદદ પણ મળશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ શહેર ટ્રાફિક પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શહેરમાં મેટ્રોના ખોદકામને લઈ ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે. ત્યારે બોર્ડના સમય પહેલા શહેરના તમામ ટ્રાફિક પોઇન્ટ પર જવાનો ખાસ ટ્રાફિક સંચાલનમાં તહેનાત રહેશે. આ સાથે શહેરના 36 ટ્રાફિક સેન્ટર ઉપર ત્રણ બાઈક જવાન ઉપસ્થિત રહેશે. જે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરશે.

શહેર ટ્રાફિક પોલીસના સૂત્રોના કહેવા મુજબ કાલે તારીખ 11-03-2024થી 26-03-2024 સુધી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાશે. સુરત શહેરમાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે અને કોઈ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પરીક્ષા શરુ થવાના સમયે તેમજ પરીક્ષાર્થીના છૂટવાના સમયે ટ્રાફિક શાખાના અધિકારીઓ પોત પોતાના વિસ્તારમાં હાજર રહી પેટ્રોલિંગ રાખશે. જે જગ્યાએ ટ્રાફિક થવાની શક્યતા હોય તે જગ્યાએ ટ્રાફિક નિયમન માટે યોગ્ય ડીપ્લોયમેન્ટ રાખવામાં આવશે. ટ્રાફિક શાખાના સર્કલ વિસ્તારમાં સરકારી મોટર સાયકલ સાથે સર્કલ વાઈઝ ત્રણ-ત્રણ ટીમો મળી કુલ્લે 36 ટીમોની ફાળવણી કરવામાં આવી છે. તે ટીમો દ્વારા જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાઈ ગયેલ હોય તો તેને ટ્રાફિકના પોલીસ જવાનો મોટર સાઈકલ ઉપર પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરશે. આ ઉપરાંત જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકજામની સમસ્યામાં ફસાઈ તો તેવા સમયમાં તેઓએ ટ્રાફિક હેલ્પ લાઈન નબર 74340-95555 ઉપર કોલ કરવા જણાવવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code