
જો દેશને કોંગ્રેસને હવાલે કરી દેવાય તો હિન્દુઓ માટે કોઈ દેશ નહીં બચેઃ ભાજપા
નવી દિલ્હીઃ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે, ભારતમાં 1950 અને 2015 વચ્ચે હિંદુઓની વસ્તીમાં તીવ્ર 7.8 ટકાનો ઘટાડો થયો છે. આ આંકડો બહાર આવતાં જ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ રિપોર્ટના મામલે ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. ભાજપાએ જણાવ્યું હતું કે, જો દેશ કોંગ્રેસને સોંપી દેવામાં આવે તો હિન્દુઓ માટે કોઈ દેશ બચશે નહીં.
ભાજપના રાષ્ટ્રીય માહિતી અને ટેકનોલોજી વિભાગના પ્રભારી અમિત માલવિયાએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ‘1950 અને 2015 ની વચ્ચે ભારતમાં હિંદુઓની વસ્તીમાં 7.8 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે મુસ્લિમ વસ્તીમાં 43.15 ટકાનો વધારો થયો છે. કોંગ્રેસના દાયકાઓના શાસને આપણી સાથે આવું જ કર્યું છે.
વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અભ્યાસ અનુસાર, 1950માં ભારતમાં હિંદુઓની સંખ્યા કુલ વસ્તીના 84 ટકા હતી, જે 2015માં ઘટીને 78 ટકા થઈ ગઈ. આ સમયગાળા દરમિયાન એટલે કે 65 વર્ષમાં મુસ્લિમોની સંખ્યા 9.84 ટકાથી વધીને કુલ વસ્તીના 14.0 ટકા થઈ ગઈ છે. 1950 અને 2015 ની વચ્ચે, ભારતમાં મુસ્લિમ વસ્તીનો હિસ્સો 43.15 ટકા વધ્યો, ખ્રિસ્તીઓની સંખ્યામાં 5.38 ટકા જ્યારે શીખોની સંખ્યામાં 6.58 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, બૌદ્ધોની સંખ્યામાં થોડો વધારો પણ જોવા મળ્યો હતો.
દરમિયાન, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ પણ હિન્દુઓની વસ્તીમાં ઘટાડા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, પાર્ટીની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને કારણે મુસ્લિમ વસ્તી વધી રહી છે. તેમણે પત્રકારોને કહ્યું કે, વસ્તીનું અસંતુલન ચિંતાનો વિષય છે. મુસ્લિમોની વસ્તી વધી રહી છે, સાથે જ હિંદુઓની વસ્તી પણ ઘટી રહી છે. આ બધા પાછળ કોંગ્રેસનું મુસ્લિમ તુષ્ટિકરણ છે.