
અમદાવાદમાં ધો.9થી 12માં વિદ્યાર્થીની સંખ્યા ન હોય તો વર્ગ ઘટાડાશે, શાળાઓ પાસે માંગી દરખાસ્ત
અમદાવાદઃ શહેરમાં ધોરણ-9થી 12માં વિદ્યાર્થીઓની સંખ્યા નિયમાનુસાર જળવાતી ન હોય તેવી સ્કૂલોમાં વર્ગ ઘટાડો કરવા માટેની દરખાસ્ત અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મંગાવવામાં આવી છે. સંચાલકોએ પાંચ દિવસમાં આ અંગેની દરખાસ્ત કરવાની રહેશે. આ ઉપરાંત ધોરણ-9 અને 11ના વર્ગ ગત વર્ષે ઘટાડો થયો હતો તેવી સ્કૂલોએ ક્રમિક વર્ગ ઘટાડાની દરખાસ્ત પણ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલવાની રહેશે. વર્ગ ઘટાડાની દરખાસ્તને લઈને સંચાલક મંડળે તાજેતરમાં શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં વર્ગ ઘટાડાનું હિયરીંગ અટકાવવા માટે રજૂઆત કરી હતી. હિયરીંગ અટકાવવામાં નહીં આવે તો રાજ્યની 700 જેટલી સ્કૂલોના 1 હજાર જેટલા શિક્ષકો નોકરી વગરના થશે તેવી ભિતી પણ વ્યક્ત કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના તાબા હેઠળની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9થી 12માં ચાલુ વર્ષે જે શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા નિયમાનુસાર જળવાતી ન હોય તેવી શાળાઓનો વર્ગ ઘટાડો કરવાની દરખાસ્ત કચેરી ખાતે પાંચ દિવસમાં કરવાની રહેશે. ઉપરાંત ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગ ગત વર્ષે ઘટાડો થયો હતો તેવી શાળાઓએ ક્રમિક વર્ગ ઘટાડાની દરખાસ્ત પણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે તાત્કાલીક મોકલી આપવાની રહેશે. નક્કી કરેલી સમયમર્યાદામાં વર્ગ ઘટાડાની દરખાસ્ત નહીં આવે તો તે અંગેની તમામ જવાબદારી જે તે શાળા સંચાલક મંડળની રહેશે. આમ, આ પરિપત્ર કરી સંચાલકોને તાકીદે દરખાસ્ત કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી સહિત રાજ્યના અનેક જિલ્લામાં આ રીતે વર્ગ ઘટાડાની દરખાસ્ત મંગાવી છે. જેને લઈને સંચાલક મંડળમાં ભારે આક્રોશ જોવા મળે છે. આ મુદ્દે તાજેતરમાં જ સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખી વર્ગ ઘટાડાના હિયરીંગ તાકીદે રોકવા માટે રજૂઆત કરી હતી. તેમ છતાં જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા સંચાલકો રોષે ભરાયા છે. શાળા સંચાલકોએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
આ અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની રજૂઆત અન્વયે વર્ગોની વિદ્યાર્થી સંખ્યા કોરોના કાળના પરિપત્ર મુજબ રાખવા માટે નિયમાક શાળાઓની કચેરી દ્વારા શિક્ષણ વિભાગમાં ફાઈલ હાલ ચાલી રહી છે, તેવા સંજોગોમાં રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારીઓ બહુ એક્ટિવ થઈને આ રીતે વર્ગ બંધ કરવાની દરખાસ્ત મગાવવાની શરૂઆત કરી છે તે રાજ્ય સરકારની ચુંટણીને અસરકર્તા બાબત અમને જણાય છે. રાજ્ય સરકારે આ અંગે તાત્કાલીક નિર્ણય લેવો જોઈએ.