દિલ્હીઃ આતંકવાદને કારણે સમગ્ર દુનિયામાં પંકાયેલા પાકિસ્તાનના નાગરિકો વિદેશ ગયા પછી ગેરકાયદે પ્રવૃતિઓ કરતા હોવાથી મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓને જે તે દેશમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યાં છે. એક અંદાજ અનુસાર દરરોજ 300 જેટલા પાકિસ્તાનીઓને દુનિયાના વિવિધ દેશમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે. છ વર્ષમાં 6.18 લાખ પાકિસ્તાની નાગરિકોને ઘર ભેગા કરાયા છે. જેમાં સૌથી વધારે મુસ્લિમ દેશોનો સમાવેશ થાય છે. અહેવાલ પ્રમાણે દરરોજ 147 પાકિસ્તાની નાગરિકોને તો સાઉદી અરેબિયા જ પાછા જવાનું ફરમાન છોડે છે. વિદેશોમાં જઈને પણ પાકિસ્તાની નાગરિકો ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.
ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના અહેવાલમાં દાવો કરાયો હતો કે, છ વર્ષમાં દુનિયાભરમાંથી 6,18,877 પાકિસ્તાની નાગરિકોને ઘર ભેગા થઈ જવાનો આદેશ મળ્યો હતો. અલગ અલગ કારણોથી દુનિયાભરમાંથી પાકિસ્તાનીઓને મોટી સંખ્યામાં કાઢી મૂકવામાં આવે છે. જે તે દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરવી, નકલી દસ્તાવેજો બનાવવા, વર્ક પરમીટ પૂરી થવા છતાં રોકાઈ રહેવું, જે તે દેશમાં ગેરકાયદે ધંધા કરવા, ગુનાઈત કૃત્યો કરવા, દાદાગીરી કરવી… વગેરે મુખ્ય કારણોસર તેમને હાંકી કાઢવામાં આવ્યાં છે.
આ પાકિસ્તાની નાગરિકો પૈકી 72 ટકાને સાઉદી અરેબિયા, ઓમાન, યુએઈ, કતાર, બહેરિન, ઈરાન, તુર્કીએ ઘરભેગાં કર્યા હતા. એટલું જ નહીં માત્ર સાઉદી અરેબિયાએ જ છેલ્લાં છ વર્ષમાં 3,21,590 પાકિસ્તાનીઓને પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. યુરોપ અમેરિકાની વાત તો દૂર છે, પરંતુ મુસ્લિમ રાષ્ટ્રો પણ પાકિસ્તાનીઓને પોતાના દેશમાં રાખવા તૈયાર નથી. અહેવાલ પ્રમાણે દરરોજ 147 પાકિસ્તાની નાગરિકોને તો સાઉદી અરેબિયા જ પાછા જવાનું ફરમાન છોડે છે.