
ભોપાલઃ ઈન્દોરમાં આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ આપ્યો હતો. આ સંદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે અને દેશની અર્થવ્યવસ્થા પણ તેજ ગતિએ છે. તેમણે વધુમાં કહ્યું કે, IMF ભારતને વિશ્વ અર્થતંત્રમાં એક તેજસ્વી સ્થાન તરીકે જુએ છે.
ઈન્ટરનેશનલ બેંક સર્વે વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, મોટાભાગના રોકાણકારો ભારતને પ્રાથમિકતા આપી રહ્યા છે. તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના પરિણામે દેશ રોકાણ માટે આકર્ષક સ્થળ બન્યો છે. ઉપરાંત, પીએમ મોદીએ એમ પણ કહ્યું કે બેંકિંગ ક્ષેત્રમાં રિકેપિટલાઇઝેશન, IBC જેવા આધુનિક રિઝોલ્યુશન ફ્રેમવર્ક, GST જેવા વન નેશન વન ટેક્સ, ઘણા ક્ષેત્રોમાં ઓટોમેટિક રૂટ દ્વારા 100% FDIને મંજૂરી આપવી જોઈએ. બીજી તરફ, તેમણે મધ્યપ્રદેશને રોકાણની દ્રષ્ટિએ વિકસિત ભારત માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમિટમાં 5 હજારથી વધુ ઉદ્યોગપતિ સામેલ થવાના છે. આ સિવાય સમિટમાં 65 દેશોના 300થી વધુ પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી, ગયાના દેશના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ ઈરફાન અલી, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.
મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ અંતર્ગત 11 અને 12 જાન્યુઆરીએ વૈશ્વિક રોકાણકારો સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય સમિટમાં મધ્યપ્રદેશમાં કરોડોનું રોકાણ આવે તેવી શક્યતા છે. વૈશ્વિક રોકાણકારો સમિટમાં વિવિધ વિષયો પર 19 સમાંતર સત્રો હશે. ઈન્દોરના બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરમાં આ સત્રોમાં ભારત અને વિદેશના રોકાણકારો ભાગ લેશે.