મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે IMFનું એલર્ટ, મોંઘવારી વધવાની સાથે વિકાસને અસર થશે
વોશિંગ્ટન, 31 માર્ચ 2026: અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધની જ્વાળાઓ હવે વૈશ્વિક અર્થતંત્રને દઝાડવા જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ એક ગંભીર એલર્ટ જારી કરતા જણાવ્યું છે કે, મધ્ય પૂર્વનો આ સંઘર્ષ વિશ્વભરમાં મોંઘવારીમાં તોતિંગ વધારો કરશે અને આર્થિક વિકાસની ગતિને ધીમી પાડશે. IMF મુજબ, જે દેશો પહેલેથી જ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે, તેમના માટે આ યુદ્ધ નવી આફત બનીને આવશે.
રિપોર્ટ અનુસાર, એશિયા અને યુરોપના જે દેશો પોતાની ઊર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે, તેમના પર સૌથી વધુ પ્રતિકૂળ અસર પડશે. વિશ્વનો લગભગ 25-30 ટકા ક્રૂડ ઓઈલ અને 20 ટકા એલએનજી નો પુરવઠો ‘હોર્મુઝની સામુદ્રધુની’ માંથી પસાર થાય છે. યુદ્ધને કારણે આ માર્ગ પ્રભાવિત થતા તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચી શકે છે. એશિયાના મોટા મેન્યુફેક્ચરિંગ હબમાં ઈંધણ અને વીજળી મોંઘી થવાથી ઉત્પાદન ખર્ચ વધશે, જેની સીધી અસર સામાન્ય જનતાની ખરીદશક્તિ પર પડશે.
IMFએ ચેતવણી આપી છે કે માત્ર તેલ જ નહીં, પરંતુ ખાતર અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધવાથી આફ્રિકા અને એશિયાના ગરીબ દેશોમાં ભૂખમરો વધી શકે છે. ખેતી માટે જરૂરી સલ્ફર અને અન્ય કેમિકલ્સની અછત સર્જાતા કૃષિ ઉત્પાદન પર માઠી અસર થશે. યુરોપના દેશોમાં ખાસ કરીને ઇટાલી અને યુકે પર આ યુદ્ધની અસર વધુ જોવા મળી શકે છે. જોકે, ફ્રાન્સ અને સ્પેન જેવા દેશો તેમના પરમાણુ અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોને કારણે થોડા અંશે સુરક્ષિત રહી શકે છે. આ ઉપરાંત, સેમિકન્ડક્ટર અને મેડિકલ સાધનોમાં વપરાતા હિલિયમ ગેસનો મોટો જથ્થો ખાડી દેશોમાંથી આવતો હોવાથી ટેકનોલોજી ક્ષેત્રે પણ કામગીરી ખોરવાઈ શકે છે.
યુદ્ધની અસર વૈશ્વિક શેરબજારો પર પણ જોવા મળી રહી છે. બજારમાં ભારે વોલેટિલિટી વચ્ચે રોકાણકારોમાં ફફડાટ છે. IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે, “આ અનિશ્ચિત વિશ્વમાં વધુને વધુ દેશોને અમારા સમર્થનની જરૂર પડશે અને અમે તેમની પડખે ઊભા છીએ.”
આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી મોદીએ સુરીનામના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીના નિધન પર શોક વ્યક્ત કર્યો


