
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર, રાજ્યના કેટલાક શહેરોમાં ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો
- રશિયા-યુક્રેન યુદ્ધને લઇને સતત ખાદ્ય તેલમાં ભાવ વધારો
- ફરસાણના વેપારીઓ દ્વારા 10% ભાવ વધારો ઝીંકાયો
- ગાઠીયાના ભાવ કિલોએ 360 થી 400 એ પહોંચ્યા
રાજકોટ: 22 ફેબ્રુઆરીથી શરૂ થયેલા રશિયાને યુક્રેનના યુદ્ધના કારણે ખાદ્ય તેલોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ન માત્ર કપાસિયા સીંગતેલ પરંતુ તમામ તેલમાં હાલ ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે હવે ફરસાણમાં પણ ભાવવધારો ઝીંકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેરમાં જુદા-જુદા ફરસાણના ભાવમાં 10% લેખે રૂપિયા 40નો વધારો ઝીંકવામાં આવ્યો છે. ફરસાણના ભાવ હાલ 400-440 સુધીના જોવા મળી રહ્યા છે. ગાંઠિયાના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂપિયા 4 નો વધારો કરવામાં આવતા નાના વર્ગના લોકો હાલ ગાંઠિયા ખરીદવાનું ટાળી રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જોકે વેપારીઓ સમગ્ર ભાવ વધારા પાછળ ખાદ્ય તેલના વધતા જતા ભાવ તેમજ ગેસના બાટલાના વધતા જતા ભાવને કારણ તરીકે જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે આ પ્રકારે જીવનજરૂરીયાત વસ્તુઓમાં થતા ભાવવધારાના કારણે મધ્યમવર્ગનો માણસ ખુબ પીસાઈ રહ્યો છે અને તેના કારણે તેને આર્થિક તકલીફ પણ પડી રહી છે.