અમદાવાદઃ શહેરમાં દર વર્ષે રોડ-રસ્તાઓ પર પડતા મોટા ભૂવાની સમસ્યા દર ચોમાસામાં સર્જાતી હોય છે. હવે તો સામાન્ય વરસાદમાં પણ ભૂવાઓ પડે છે. રસ્તાઓ પર અચાનક પડતા ભૂવા નાગરિકો માટે જોખમી બની ગયા છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં ભાર્ગવ રોડ પર પડેલા ભૂવામાં યુવક ગરકાવ થયો હતો, જેને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યો હતો. જ્યારે સવારે ઉસ્માનપુરા પાસે રિવરફ્રન્ટ તરફ જતા રોડ પર એક ભૂવો પડ્યો હતો, જેમાં 70 વર્ષનાં વૃદ્ધા પડ્યાં હતાં, જેમને ફાયરબ્રિગેડની મદદથી બહાર કાઢી સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ચાલુ વર્ષે શહેરમાં હજુ તો અતિભારે કહી શકાય તેવો વરસાદ થયો જ નથી છતાં 61 ભૂવા પડ્યા છે. આ ભુવાના પુરાણ પાછળ નાગરિકોએ ભરેલા ટેક્સના 1 કરોડ 87 લાખ 53 હજારનો ધૂમાડો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ભુવા પડવાની બાબતમાં બચાવ કરતા એવી દલીલ કરે છે કે, વર્ષો જુની પાણી અને ડ્રેનેજની લાઈનના કારણે ભુવા પડી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનના વિવિધ વિસ્તારોમાં રોડ રીસરફેસીંગ અથવા નવા રોડ બનાવવા તેમના માનીતા કોન્ટ્રાકટરોને એક વખત કામ અપાયા બાદ આસીસ્ટન્ટ સિટી ઈજનેરથી લઈ એડીશનલ સીટી ઈજનેર સુધીના કોઈ અધિકારીઓ સ્થળ ઉપર સુપરવિઝન કરવા જતા જ નથી. કોન્ટ્રાકટરે ટેન્ડરની શરત મુજબ મટિરીયલ વાપર્યુ છે કે કેમ? એની પણ ચકાસણી કરાતી નથી.પરિણામે ભુવા પડયા બાદ લોકોના ટેકસના ભરેલા નાણાં ભુવા પુરવા ખર્ચ કરવામાં આવે છે. 2જી સપ્ટેમ્બરે કુબેરનગર ભાર્ગવ રોડની કિશોર સ્કૂલ પાસેથી 21 વર્ષીય યુવક ચાલતો પસાર થઇ રહ્યો હતો. એ દરમિયાન રોડ પર અચાનક ભૂવો પડતાં એમાં તે ગરકાવ થઇ ગયો હતો. યુવક ભૂવામાં પછડાતાં તેને હાથ, પગ અને પીઠના ભાગે ઇજા થઇ હતી. યુવક 15 મિનિટ સુધી ભૂવામાં રહ્યો હતો. પછી ત્યાંથી પસાર થતા વાહનચાલકે તેને જોઇ મદદ કરી હતી. વાહનચાલકો સહિત અન્ય લોકોએ ભેગા મળી તેને બહાર કાઢયો હતો. આ ઘટના બાદ યુવકે વીડિયો બનાવી આરોપ મૂક્યો છે કે આ વિસ્તારમાં નબળા રોડને કારણે વારંવાર ભૂવા પડે છે. જો હું બાઇક ઉપર હોત અને ભૂવો પડ્યો હોત તો ગંભીર રીતે ઘાયલ થયો હોત. ભૂવા નાગરિકો માટે જોખમી છે, જેથી આ પ્રકારની નબળી ગુણવત્તાને સુધારવામાં આવે.
શહેરના ઉસ્માનપુરાથી રિવરફ્રન્ટ તરફ જતા રોડ પર પણ એક મોટો ભૂવો પડ્યો હતો. 70 વર્ષીય વૃદ્ધા ચાલતાં ચાલતાં ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે આ ખુલ્લા ભૂવામાં તેઓ ગરકાવ થઈ ગયાં હતાં. સ્થાનિક લોકોએ વૃદ્ધાને ભૂવામાં પડેલા જોઈ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયાં હતાં. ભૂવો પડે ત્યારે કોર્પોરેશન તંત્રએ ભૂવાની આસપાસ કોઈ ન જાય એવી રીતે વ્યવસ્થિત બેરિકેડ કરવાનું હોય છે, પરંતુ તે માત્ર એક-બે જગ્યાએ બેરિકેડ લગાવી આખો ભૂવો કોર્ડન ન કરતાં લોકો એમાં પડે છે. રસ્તાઓ અને ભૂવાને કારણે અનેક વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. અનેક વાહનો ખાડામાં પડે છે. તાજેતરમાં વસ્ત્રાલ વિસ્તારમાં પુષ્પવિલા બંગલોના દરવાજા સામે જ ખાડામાં AMCનું ટ્રેકટર ફસાયું હતું. જેસીબીની મદદથી ટ્રેક્ટર બહાર કઢાયું હતું. 17 દિવસથી આ જગ્યા પર ડ્રેનેજલાઇન નાખવાનું કામ ચાલુ હતું. ખાડાનું માટી પુરાણ કરવા જતાં AMCનું ટેક્ટ્રર ફસાયું હતું. બીજી તરફ મેમનગર વિસ્તારમાં પણ અનેક જગ્યાએ ખાડા પડયા હતા. વસ્ત્રાલમાં ગટરનું ઢાંકણું તૂટેલું જોવા મળ્યું હતું.



