
અમદાવાદઃ કોરોનાના કેમાં નોંધપાત્ર ઘટાડો થતા વેપાર-ધંધા રાબેતા મુજબ બની ગયા છે. કેટલાક વેપારીઓ સીઝનલ ધંધો કરતા હોય છે, જેમાં ચોમાસાની સીઝનમાં કેટલાક વેપારીઓ રંગબેરંગી છત્રીઓનો ધંધો કરે છે પણ આ વખતે વરસાદ ખેંચાતા છત્રી વેચીને ગુજરાન ચલાવતા વેપારીઓ પણ પરેશાન છે. ચોમાસાની સિઝન શરૂ થતાં જ અમદાવાદના જમાલપુર બ્રિજના ફૂટપાથ પર રંગબેરંગી છત્રીની માર્કટ ભરાય છે. પરંતુ વેપારીઓ પણ ગ્રાહકની રાહ જોઇને બેસી રહ્યા છે. વરસાદ ન હોવાના કારણે લોકો પણ છત્રી લેવા માટે આવતા નથી.
છત્રીના વેપારીઓએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના કારણે તો ધંધાને અસર પહોંચી હતી. પરંતુ હવે વરસાદ નથી જેના કારણે લોકો છત્રી ખરીદવા આવતા નથી.જો વરસાદ આવે તો છત્રી લેવા માટે લોકો આવે. અને આ વર્ષે છત્રીના ભાવમાં પણ વધારો થયો છે. રોજે રોજ પેટ્રોલ ડિઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી રહ્યો છે. જેની અસર ચીજ વસ્તુઓ પર પડે છે. ત્યારે ગત વર્ષે કરતા ચાલુ વર્ષે છત્રીના ભાવમાં 15 થી 20 રૂપિયા વધારો થયો છે. ગત વર્ષે છત્રીના ભાવ 50 થી ચાલુ થતા હતા જે ચાલુ વર્ષે 70 રૂપિયાથી ચાલુ થાય છે. એટલે 7થી 200 રૂપિયા સુધીની છત્રીઓ મળે છે. છત્રીઓના ભાવમાં વધારો અને બીજી બાજુ વરસાદ ખેંચાયો છે. એટલે ગ્રાહકો પણ ભાવ પૂછીને જતા રહે છે.વેપારીઓનું કહેવું છે કે વરસાદ આવે તો લોકો આ ભાવમાં પણ છત્રી ખરીદી લેશે.પણ અત્યારે તો રંગબેરંગી છત્રીઓનો રંગ વરસાદ ન થતા ફિક્કો પડ્યો છે. છત્રીની જરૂર પડે તેવા વરસાદની રાહ જોવી પડશે. કારણ કે સારો વરસાદ આવે તેવી સિસ્ટમ સક્રિય નથી. 8 જુલાઈ બાદ સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન છે. વરસાદી વાતાવરણ સર્જાય છે પરંતુ વરસાદ થતો નથી.ઉકળાટ અને ગરમીથી લોકો પરેશાન છે. અને બસ હવે સારો વરસાદ થાય તો વાતાવરણમાં ઠંડક સાથે વેપારીઓ,ખેડૂતો અને લોકોને પણ ઠંડક થાય. જો કે હવામાન વિભાગનું અનુમાન છે કે જુલાઈના બીજા સપ્તાહના અંતમાં સારો વરસાદ થશે.