
અમદાવાદમાં ઘોડાસર ચાર રસ્તા પરના ઓવરબ્રિજની ધીમી કામગીરી સામે સ્થાનિક લોકોએ કર્યો વિરોધ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ઓવરબ્રિજ બનાવવાના કામો ચાલી રહ્યા છે. જેમાં ઘણા બ્રિજ એવા છે કે તે બ્રિજના કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. કહેવાય છે. કે, ઘણા કોન્ટ્રાક્ટરો નિયત સમયમાં બ્રિજના કામો પુરા કરતા નથી ત્યારબાદ મ્યુનિ.ના સત્તાધિશો સાથે સાંઠગાંઠ કરીને વધારો માગતા હોય છે. આમ પ્રજાના ટેક્સના નાણા બરબાદ કરતા હોય છે. શહેરમાં ઘોડાસરમાં ચારરસ્તા પર આવેલા કેડિલા ઓવરબ્રિજનું કામ છેલ્લા દોઢ- બે વર્ષથી ચાલી રહ્યું છે, આ બ્રિજનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાથી સ્થાનિક લોકોએ બેનરો અને પ્લે કાર્ડ સાથે વિરોધ કર્યો હતો અને બ્રિજનું કામ સત્વરે પુરૂ કરવાની માગણી કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં ઘોડાસર ચાર રસ્તા પાસે કેડીલા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા દોઢ બે વર્ષથી ચાલી રહી છે. બ્રિજ બનાવવાની ધીમી કામગીરીના કારણે આ રસ્તા પર વારંવાર ટ્રાફિક જામ થાય છે. સર્વિસ રોડ ઉપર ટ્રાફિકના ડાયવર્ઝનના કારણે મોટી સંખ્યામાં વાહનો નીકળે છે. જેથી રોડ પપરની સોસાયટીઓના રહિશોને બહાર વાહન લઇને નીકળવામાં મુશ્કેલીનો સામને કરવો પડી રહ્યો છે. જેથી ચારથી પાંચ સોસાયટીઓના 500થી વધુ લોકોએ ઘોડાસર ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોને પડતી અગવડતાઓને લઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા કેડીલા ઓવરબ્રિજની બાજુમાં મણિનગર તરફ જવાના રોડ ઉપર આવેલા સર્વિસ રોડની ચારથી પાંચ સોસાયટીના 500થી વધુ લોકોએ રોડ ઉપર આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સોસાયટીના સ્થાનિક રહિશોના કહેવા મુજબ, આ વિસ્તારમાં ચારથી પાંચ સોસાયટીઓ છે.જે સર્વિસ રોડ પાસે આવેલી છે ત્યાં કેડીલા ઓવરબ્રિજની કામગીરીના કારણે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે. આથી સોસાયટીની બહાર નીકળવામાં તકલીફ પડતી હોય છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે છતાં નિરાકરણ આવ્યું નથી. જેને લઇને આજે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સોસાયટીની બહાર નીકળવા માટે થઈને થોડી જગ્યા આપવામાં આવે જેથી લોકોને અવર-જવરમાં તકલીફ ન પડે.