
અમદાવાદ: રાજ્યમાં ઘણાબધા વિસ્તારોમાં તાજેતરમાં માવઠું પડતા લીલા શાકબાજીને થોડુઘણુ નુકશાન થયું હતું .પણ ટામેટાંના પાકને વધુ નુકશાન થયુ હોવાથી અમદાવાદમાં પણ ટામેટાંના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. એક કિલો ટામેટાંનો ભાવ 100 રૂપિયા થઈ ગયો છે! છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં આવેલા પલટા અને વરસાદી માહોલના કારણે ટામેટાંના ઊભા પાકને મોટાપાયે નુકસાન થયું હોવાનું શાકભાજીના વિક્રેતાઓ કહી રહ્યા છે. કહેવાય છે કે, બેંગાલુરુ અને સંગમનેરથી આવતાં ટામેટાંની આવક ઘટી ગઈ છે. જેથી અન્ય રાજ્યોની જેમ અમદાવાદમાં પણ ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના એક મહિના પહેલાથી જ ટામેટાંના ભાવમાં ભડકો થયો હતો. જે દર વર્ષે થતો હોય છે અને પછી નવેમ્બરમાં નવો પાક આવતાં ધીમે-ધીમે ટામેટાંના ભાવ અંકુશમાં આવી ગયા હતા. પરંતુ આ વર્ષે ટામેટાંનો નવો પાક ખેતરમાં હતો એ દરમિયાન જ કમોસમી વરસાદ પડતાં ભારે નુકસાન થયું હતુ. જેના કારણે માગની સામે પુરવઠો ઓછો હોવાને પરિણામે અમદાવાદ શહેરમાં ટામેટાંનો પ્રતિ કિલો ભાવ 100 રૂપિયાને આંબી ગયો છે.જ્યારે ટામેટાંની જેમ બટાકાની કિંમતમાં પણ 20થી25 ટકાનો વધારો જોવા મળ્યો છે. અત્યારે બજારોમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખેલો માલ ઠલવાઈ રહ્યો છે. અગાઉ 20 રૂપિયાના સવા કિલો બટાકા વેચાતા હતા જેની કિંમત અત્યારે વધીને 25 રૂપિયે કિલોની થઈ છે.
જમાલપુર શાકભાજીના જથ્થાબંધ વેપારીના જણાવ્યા મુજબ ટામેટાંનો નવો પાક આવે તે પહેલાં વરસાદે પાક બગાડી નાખ્યો હતો. ખાસ કરીને બેંગાલુરુથી આવતાં ટામેટા અટવાઈ ગયા છે અને તેના લીધે ભાવ આસમાને પહોંચ્યો છે. સારી ક્વોલિટીના ટામેટાં 100 રૂપિયે વેચાઈ રહ્યા છે જ્યારે થોડી ઊતરતી કક્ષાના ટામેટાં 80 રૂપિયે વેચાય છે. અત્યારે ટામેટાંની આવક હોલસેલ માર્કેટમાં અગાઉ કરતાં અડધી થઈ છે. આ શોર્ટેજની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે. હોલસેલ બજારમાં દિવાળી પહેલા 4500 રૂપિયા ક્વિન્ટલના ટામેટા હતા, જે અત્યારે વધીને 6,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયા છે. રિટેલ માર્કેટમાં પહોંચતા-પહોંચતા તેની પ્રતિ કિલો કિંમત 60-80 રૂપિયા થઈ જાય છે. વેપારીઓનું કહેવું છે કે, બજારમાં ટામેટાંની આવક શરૂ થશે તેમ તેના ભાવ ઊતરશે. પરંતુ અત્યારે ભાવ ઘટવાની શક્યતા નહીંવત જણાય છે