 
                                    બનાસકાંઠામાં જમીન સંપાદનમાં ઓછું વળતર મળતા ખેડુતોએ રેલી યોજીને કલેક્ટરને આપ્યુ આવેદન
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થઈ રહેલા ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને તેમની જમીન સંપાદનનું ઓછું વળતર મળવા સહિત અનેક સમસ્યાઓને લઈને કાંકરેજ અને દિયોદર તાલુકાના 27 ગામોના 1500 જેટલા ખેડૂતોએ પાલનપુરમાં બેનરો અને સૂત્રોચાર સાથે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું અને એવી રજુઆત કરી હતી કે જો ખેડુતોની માંગો નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરાશે
બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુરમાં ખેડુતોની વિશાળ રેલી યોજવામાં આવી હતી. એક કિમીની પગપાળા રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોએ તેમની જમીનનું યોગ્ય વળતર આપવાની તેમજ ભારતમાલા પ્રોજેક્ટમાં સર્વિસ રોડ આપવાની માંગ કરી હતી. ઉપરાંત આ પ્રોજેકટનો વિરોધ કરતા ખેડૂતોએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટને લઈને તેમની મહામૂલી જમીન બે ટુકડાઓમાં વહેંચાઈ જતી હોવાથી તેમને મોટું નુકસાન થાય છે, અનેક ખેડૂતો પોતાની જમીન ગુમાવી રહ્યા છે, આ પ્રોજેક્ટના કારણે સુજલાલ સુફલામ કેનાલને નુકશાન થશે જેથી ખેડૂતોએ તંત્રને આવેદનપત્ર આપીને તેમની વિવિધ માંગો સ્વીકારવાની રજુઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગો નહિ સ્વીકારાય તો આવનાર સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના સરહદી વિસ્તારના અનેક તાલુકાઓમાંથી પસાર થતો મહત્વકાંક્ષી ભારતમાલા પ્રોજેકટનો અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકામાંથી પસાર થતાં ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોની મહામૂલી જમીન સંપાદનનું વળતર તેમને ખુબજ ઓછું મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો તેમની જમીનનું યોગ્ય વળતર આપવાની તેમજ ભારતમાલા પ્રોજેક્ટમાં સર્વિસ રોડ આપવાની માંગ કરી રહ્યા છે. આ પ્રોજેકટનો વિરોધ કરતા ખેડૂતોએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટને લઈને તેમની મહામૂલી જમીન બે ટુકડાઓમાં વહેંચાઈ જતી હોવાથી તેમને મોટું નુકસાન થશે. ખેડુતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગો નહિ સ્વીકારાય તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરાશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

