
ગુજરાતમાં કોરોનાના 35 કેસ નોંધાયા, હાલ 148 એક્ટિવ કેસ, 16 દર્દી સાજા થયા
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો ત્રીજો વેવ લગભગ સમાપ્ત થઈ ગયો હતો, અને કોરોનાના કેસ સાવ ઘટી જતાં સરકારે તમામ નિયંત્રણો પણ ઉઠોવી લીધા હતા. પરંતુ કેટલાક દિવસથી કોરોનાના કેસમાં આંશિક વધારો થઈ રહ્યો છે. સોમવારે કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા પણ થઇ હતા અત્યાર સુધીમાં કુલ 12,12,992 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં સોમવારે કુલ 37,995 રસીના ડોઝ અપાયા હતા.
ગુજરાતમાં કોરોનાના કેસમાં થોડા વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સોમવારે કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા. જ્યારે 16 દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. રાજ્યમાં હાલ કુલ 148 એક્ટિવ કેસ છે. જે પૈકી એકપણ નાગરિક વેન્ટીલેટર પર નથી. જ્યારે 148 દર્દી સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,12,992 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. સોમવારે કોરોનાથી એક પણ નાગરિકનું મોત નિપજ્યું નથી. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો ગાંધીનગર શહેરમાં 18, અમદાવાદ શહેરમાં 9, અને વડોદરા શહેરમાં 4, ગાંધીનગર, જામનગર, કચ્છ અને મહેસાણામાં 1-1 નાગરિકના કેસ પોઝિટિવ નોંધાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં રવિવારે કોરોનાના 22 નવા કેસ નોંધાયા હતા, રાજ્યમાં ગાંધીનગર અમદાવાદ અને વડોદરા શહેરમાં જ કોરોનાના કેસ જુજ સંખ્યામાં નોંધાયા છે, જ્યારે રાજ્યના અન્ય શહેરો અને ગામડાંઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. આમ છતાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.