ગાંધીનગર: ખેડુતોને આર્થિકરીતે સહાયરૂપ બની શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અમલમાં મુકી હતી. અને સમયાંતરે ખેડુતોના બેન્ક ખાતામાં 2000ની સહાય આપવામાં આવતા હતા, ગુજરાતમાંથી 67 લાખ ખેડૂતો પીએમ કિસાન યોજના માટે નોંધાયેલા છે. જેમાં વર્ષ 2022-23ના વર્ષમાં 60.14 લાખ ખેડૂતોના ખાતામાં પ્રથમ હપતો જમા થયો હતો. જેમાં 4.52 લાખ ખેડૂતોએ ગેરલાભ લીધો હોવાનું જાણવા મળતા તેમની પાસેથી 1600 કરોડ રિકવર કરાશે, જોકે આ અંગે સરકારે કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી. પરંતુ સરકાર ખોટી રીતે ચૂકવાયેલા નાણા પાછા મેળવવા મક્કમ હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગર સચિવાલયના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ખેડુતોને પ્રોત્સાહિત રકમ ચુકવવામાં આવે છે. આ 2000 રૂપિયાની રકમ સમયાંતરે ખેડુતોના બેન્ક ખાતાંમાં સીધી જમા થાય છે. આ લાભ ઘણા માલેતૂજાર લોકોએ પણ મેળવ્યો છે. ઘણા એવા લોકો છે. કે ઈન્કમટેક્સ ભરતા હોય કે તગડું પેન્શન મેળવતા હોય કે અન્ય સરકારી સેવા સાથે જોડાયેલા હોય એવા લોકો પણ લાભાર્થી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ખોટો લાભ મેળવતા ખેડૂતો સામે કાર્યવાહી કરાશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ખોટો લાભ મેળવતા ખેડૂતોની સંખ્યા ચાર લાખ જેટલી હોવાનું કહેવાય છે. પાત્રતા ન ધરાવતા લોકો કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવતા હોવાનું આંતરિક તપાસમાં બહાર આવ્યું છે.
રાજ્યમાં 4 લાખ 52 હજાર ખેડૂતો ખરા લાભાર્થી ન હોવા છતાં સહાયની રકમ મેળવી લીધી હોવાનું કહેવાય છે. ખોટી રીતે મેળવેલી સહાયની રકમ સરકારને પાછી આપવી પડશે. ગુજરાતમાં 4.52 લાખ ખેડૂતોએ અંદાજિત રૂ. 1600 કરોડ ખોટી રીતે મેળવી લીધા હોવાનું ચર્ચાય રહ્યું છે. વર્ષ 2019થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ખેડૂતને મદદરૂપ થવાના આશયથી દર 4 મહિને બેંક એકાઉન્ટમાં રૂ. 2 હજાર જમાં કરે છે. વર્ષ 2019માં શરૂ થયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ 58 લાખ ખેડૂતો નોંધાયા હતા. નોંધાયેલા ખેડૂતોની પાત્રતા ચકાસતા 53.48 લાખ ખેડૂતો સાચા લાભાર્થી તો તેની સામે 4 લાખ 52 હજાર ખોટા લાભાર્થી સામે આવ્યાં છે. લેન્ડ સીડિંગ અને E – KYCની ચકાસણીમાં અનેક બાબતો સામે આવી છે. એટલું જ નહીં, મૃત્યુ પામેલા ખેડૂતોના નામે પણ સહાય મેળવતી હોવાનું સામે આવ્યું છે. જમીન વેચી દીધા બાદ પણ સહાય મેળવતા લાભાર્થી સામે આવ્યા છે. 7/12 માંથી નામ કમી થઈ ગયા બાદ પણ સહાય મેળવતા ખેડૂતો ધ્યાને આવ્યા છે. સમૃદ્ધ હોવા છતાં અને ઈન્કટેકસ ભરતા હોવા છતાં પણ કિસાન સન્માન નિધિ મેળવનારા ખેડૂતો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે એટલે કે હવે સમગ્ર સત્ય સામે આવતા ખોટી રીતે ચૂકવાયેલી સહાય સરકાર પરત આપવી પડશે.