
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટી પણ સમાજના અગ્રણીઓ અને જાણીતા લોકોને પાર્ટીમાં જોડી રહી છે. ત્યારે પાર્ટીએ પ્રમુખ સિવાયનું માળખું વિખેરી નાંખ્યું હતું અને નવા માળખાની રચના કરવાની જાહેરાત કરી હતી. આજે રવિવારે નવા માળખાની જાહેરાત કરવામાં આવશે. જુના મળખામાં જે હોદ્દેદારો હતા, તે તમામને રિપિટ કરાશે, અને નવા લોકોનો પણ સમાવેશ કરાશે એટલે આમ આદમી પાર્ટીનું ગુજરાતનું માળખું વિસ્તૃત બનાવાશે. એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ તેનું સંગઠન વિખેરી નાંખ્યું હતું. હવે આજે રવિવારે પાર્ટી દ્વારા નવા સંગઠનની જાહેરાત કરવામાં આવશે. આજે સવારે ગુજરાતના આપના પ્રભારી સંદિપ પાઠક અમદાવાદ આવશે. તેઓ અમદાવાદમાં જ પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરશે.ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે આમ આદમી પાર્ટી દ્વારા નવી રણનીતિ ગોઠવી છે. આ રણનીતિનો અમલ કરવા માટે સંગઠનને મજબૂત બનાવવામાં આવશે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, તિરંગા યાત્રા કરી, જનસંવેદના યાત્રા કરી અને ગામડાઓમાં બેઠકો યોજી હતી. જેમાં લોકોનો સારોએવો પ્રતિસાદ મળ્યો હતો. મહેસાણામાં અરવિંદ કેજરીવાલની બે દિવસ પહેલા યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાજપ હવે આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. હું અમારા કાર્યકર્તાઓનો આભાર માનું છું. આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈ વ્યૂહરચના મૂકી છે.પાર્ટીના હાલના માળખામાં ફેરફાર કરવામાં આવશે. હવેનું સંગઠન માત્ર ચૂંટણીલક્ષી બનાવવામાં આવશે.તમામને ફરી સ્થાન મળશે. આમ આદમી પાર્ટી માટે જેને તન મન ધનથી કામ કર્યું છે તે તમામને સ્થાન મળશે. માળખું નાનું નહીં પરંતુ મોટું કરવામાં આવશે. ત્યારે રવિવારે આમ આદમી પાર્ટીના પ્રભારી સંદિપ પાઠક અમદાવાદમાં આવશે અને પાર્ટીના નવા માળખાની જાહેરાત કરશે.