
ગુજરાતમાં રેશનકાર્ડ ધારકોને જુનમાં તુવેરદાળનું વિતરણ નહીં કરાય, જુલાઈથી નિયમિત અપાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં રેશનીંગના દુકાનદારો છેલ્લા ઘમા વખતથી તુવેરદાળનો પુરતો પુરવઠો ન અપાતા મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ અંગે અવાર-નવાર સરકારને રજુઆતો પણ કરી છે. હવે જુન મહિનામાં રેશનિંગના દુકાનદારોને તુવેરદાળનો પુરવઠો આપવામાં નહીં આવે જેથી રેશનિંગકાર્ડ ધારકોને પણ જુન મહિનામાં તુવેરદાળનું વિતરણ કરી શકાશે નહીં. એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
પુરવઠા નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના રેશનકાર્ડ ધારકોને ચાલુ મહિનામાં યા ને જૂન માસમાં તુવેરદાળનો જથ્થો નહીં મળે, છેલ્લા ઘણા મહિનાઓથી તુવેરદાળનો જથ્થો અનિયમિત હોય રેશનિંગના દુકાનદારો અને રેશનકાર્ડ ધારકો વચ્ચે વિવાદ થઇ રહ્યો છે. આથી આ મુદ્દે રેશનિંગના દુકાનદારોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઇ જુલાઇ માસથી તુવેરદાળનો જથ્થો રેગ્યુલર મળી રહે તે માટેના આયોજનના ભાગરૂપે આ મહિને રાજ્યભરના 7398839 રેશનકાર્ડ ધારકો માટે તુવેરદાળનો જથ્થો સપ્લાય કરાયો નથી.
રેશનિંગ શોપના સંચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વખતથી પુરવઠા નિગમ દ્વારા તુવેરદાળનો પુરતો જથ્થો આપવામાં આવતો નથી. તેના લીધે વહેલા કે પહેલાના ધોરણે રેશનકાર્ડ ધારકોને વિતરણ કરાતો હતો. પણ કેટલાક રેશનકાર્ડ ધારકો અને કેમ નથી મળ્યો કહીને માથાકૂટ કરતા હતા. હવે જુલાઈથી પુરતો જથ્થો અપાશે એવું આશ્વાસન આપવામાં આવ્યું છે.
ગુજરાત પુરવઠા વિભાગે સસ્તા અનાજના વેપારીઓ માટે આવકારદાયક નિર્ણય લીધો છે. અત્યાર સુધી એનએફએસએ -બીપીએલ અને અંત્યોદય કાર્ડ હોલ્ડરોને અપાતા ઘઉં-ચોખાને બાદ કરતા મીઠું, ચણા, તુવેરદાળ, ખાંડનો જથ્થો 100 ટકા ફરજિયાત ઉપાડવો પડતો હતો. પરંતુ હવે દુકાનદારો તેમને અગાઉનો જથ્થો પડ્યો રહ્યો હોય તો જરૂરિયાત મુજબનો જથ્થો ઉપાડી શકશે. જોકે મિનિમમ 50 ટકા જથ્થો વેપારીઓએ ઉપાડવો પડશે અને આ ટ્રાયલ આગામી ત્રણ મહિના કરવાનો નિર્ણય કરાયો છે.