
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા નેચર પાર્કમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. માત્ર શહેરીજનોનો જ નહીં બહારગામથી શહેરની મુલાકાતે આવતા લોકો પણ ઈન્દ્રોડા પાર્કની મુલાકા લેવાનું ભૂલતા નથી. ઈન્દ્રોડા પાર્કમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓની શિબિર પણ યોજાતી હોય છે. પાર્કમાં હાલમાં સિંહ, દિપડો અને વાઘ મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર છે. હવે નવા પ્રાણી લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સરકારની મંજુરી મળતા હવે થોડા મહિનામાં જ ઈન્દ્રોડા પાર્કમાં રીંછ, ઝરખ, વરુ, શિયાળ અને લોકડી જોવા મળશે.
ગાંધીનગર શહેરના ઇન્દ્રોડા નેચર પાર્કનો છેલ્લા થોડા મહિનાઓમાં એક પછી એક મહત્વના પ્રાણીઓ બિમારી અને ઉંમરના કારણે અવસાન પામ્યા છે. ત્યારે પાર્કમાં નવા મહેમાન લાવવા માટે પાર્કના અધિકારીઓ દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. વર્ષે લાખ્ખો મુલાકાતીઓથી કરોડો રુપિયાની આવક પણ થઇ રહી છે. ત્યારે પાર્કની રોનક લાવવા માટે આગામી એક વર્ષમાં નવા પાંચ પ્રાણીઓ લાવવામાં આવશે. જેમાં રીંછ, ઝરખ, વરુ, શિયાળ અને લોકડીનો સમાવેશ થાય છે. આ પ્રાણીઓ લાવવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે, જ્યારે તેમના આવાસ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. આગામી એક વર્ષમાં પાંચ પ્રકારના નવા પ્રાણીઓ પાર્કમાં આવતા મુલાકાતીઓમાં ખાસ પ્રકારનુ આકર્ષણ ઉભુ કરશે.
આ ઉપરાંત દિપડાની જોડીને તાજેતરમાં જ જૂનાગઢના ઝૂંમાંથી લાવવામાં આવી છે અને મુલાકાતીઓમાં આકર્ષણ ઉભુ કરી રહી છે. ત્યારે આગામી સમયમાં વાઘ અને સિંહની જોડી પુરી કરવા માટે પાર્ક દ્વારા એક એક પ્રાણીની માંગ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા મંજુરી આપવામાં આવ્યા બાદ જરૂરી પ્રક્રિયા પુરી કરાશે.તેમાં ખાસ કરીને અન્ય ઝુ સાથે પ્રાણીની આપ-લે કરવાની હોવાથી તેમની માંગણી મુજબ કામગીરી કરવામાં આવશે. ભારત સરકારમાં માંગ કરવામાં આવ્યા પછી હજુ પણ વાઘ અને સિંહની જોડી જોવા માટે મુલાકાતીઓને ઓછામાં ઓછો એક વર્ષ જેટલો સમય રાહ જોવી પડે તેવી શક્યતા જોવા મળી રહી છે.