જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં હવે દેખાણો-હિંસા સહિતના બનાવોમાં વિદ્યાર્થીઓ સામે થશે કાર્યવાહી
નવી દિલ્હીઃ જાણીતી શૈક્ષણિક સંસ્થા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો અને અથડામણ જેવા બનાવો અવાર-નવાર સામે આવે છે. દરમિયાન યુનિવર્સિટી સંકુલમાં આવી ઘટનાઓ અટકાવવા માટે નવી નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં દંડ સહિતની આકરી કાર્યવાહીનો ઉલ્લેખ કરાયો છે. જેએનયુના સત્તાધીશોના આ નિર્ણયની સામે વિદ્યાર્થી સંગઠનમાં નારાજગી ફેલાઈ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના નવા નિયમો અનુસાર, વિદ્યાર્થીઓને કેમ્પસમાં ધરણા કરવા બદલ 20,000 રૂપિયાનો દંડ થઈ શકે છે અને હિંસા બદલ તેમનો પ્રવેશ રદ થઈ શકે છે અથવા 30,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ‘JNUના વિદ્યાર્થીઓ માટે અનુશાસનના નિયમ અને ઉચિત આચરણના વિરોધમાં પ્રદર્શન અને કાવતરા જેવા વિવિધ કૃત્યો માટે સજાની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત શિસ્તના ભંગના કિસ્સામાં યોગ્ય તપાસ કરવામાં આવશે.
દસ્તાવેજ અનુસાર, આ નિયમો 3 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યા હતા. યુનિવર્સિટીમાં બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી બતાવવાના વિરોધને પગલે આનો અમલ કરવામાં આવ્યો હતો. નિયમો સાથે જોડાયેલા દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, તેને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા મંજૂરી કરાયં છે. આ કાઉન્સિલ યુનિવર્સિટીની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે.
એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોના જણાવ્યા અનુસાર, આ બાબતને વધારાના એજન્ડા સામગ્રી તરીકે લાવવામાં આવી હતી અને એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ દસ્તાવેજ ‘કોર્ટના કેસ’ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. JNUમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સેક્રેટરી વિકાસ પટેલે નવા નિયમોને ‘તુગલક હુકમનામું’ ગણાવ્યું છે.