
રાજકોટઃ શહેરમાં ઘણાબધા વાહનચાલકો પોતાના વાહનો પર ધર્મ જાતિ કે પોતાના હોદ્દાઓ અનઅધિકૃતરીતે લખતા હોય છે. જે તે રાજકીય પક્ષોના નેતાઓ કે કાર્યકર્તાઓ પણ પોતાના હોદ્દાઓ કે પક્ષના સિમ્બોલ વાહન પર લગાવતા હોય છે. ઉપરાંત ઘણા ખાનગી વાહનો પર પ્રેસ,પોલીસ, ભારત સરકાર, જેવા લખાણો જોવા મળતા હોય છે. શહેર પોલીસ કમિશનરના આદેશથી ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો સામે ટ્રાફિક પોલીસ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવી પોલીસ કમિશનર ઓફિસ તેમજ પોલીસ કમિશનર ઓફિસની બહાર વાહનોમાં લખાયેલા અનઅધિકૃત લખાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે જ મોટરકારમાં કાળા કાચ દૂર કરવા તેમજ HSRP નંબર પ્લેટ ન હોય તેવા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની ઝુંબેશ દરમિયાન 91 કેસ કરી રૂપિયા 38,600 દંડ વસલુ કરવામાં આવ્યો હતો તેમજ 5 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. અને 38 વાહનોમાથી લખાણો દુર કરવામાં આવ્યા હતા તથા 17 વાહનોને ટોઇંગ કરી ટોઇંગ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ખાનગી વાહનો પર લખવામાં આવેલા અનઅધિકૃત લખાણો દૂર કરવા વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ કમિશનર કચેરી અંદર પાર્કિંગમાં પાર્ક કરાયેલા પોલીસના વાહનોમાંથી પોલીસ કે કોઇપણ ધર્મ આધારી જ્ઞાતિ જાતિ ઓળખ દર્શાવતા લખાણ લખેલ હોય તો તેને દૂર કરવામાં આવ્યા હતા. આ સાથે અન્ય ટ્રાફિકના જવાનો પોલીસ કમિશનર કચેરી બહાર વાહનચાલકોને અટકાવી તેમના વાહનો પરથી પોલીસ, પ્રેસ, એડવોકેટ, ડોક્ટર, ગવરમેન્ટ ઓફ ગુજરાત, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને જ્ઞાતિ આધારિત લખાણો દૂર કરવામાં આવ્યા હતા. હવે રાજકોટ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે આજની આ સ્પેશિયલ ડ્રાઈવમાં HSRP વગરની નંબર પ્લેટ ધરાવતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા અને સાથે મોટર કારમાં કાળ. કાચ હોય તો તે દૂર કરવા કામગીરી કરવામાં આવી હતી..