સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળ 50 ડેમ અને 500 જેટલા ચેકડેમ ભરાશે
અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થાય છે. દરમિયાન સરકાર દ્વારા સૌની યોજના હેઠલ લીંક કેનાલો મારફતે 50 ડેમ, 500 ચેકડેમ અને 100થી વધારે તળાવો ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળામાં પીવાના પાણીની સાથે ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી પુરુ પાડવામાં આવશે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણીની માંગણી કરાતાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સૌની યોજનાની ચારેય લીંક મારફતે તેમજ ગોમા-સુખભાદર પાઇપલાઇન મારફતે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, મોરબી, અમરેલી, જુનાગઢ અને જામનગર જિલ્લાના જળાશયો, ચેકડેમો, તળાવો ભરવા માટે લીંક-1 માટે મચ્છું-2 જળાશય ખાતે 375 મીલીયન ઘનફુટ, લીંક-2 માટે લીંબડી ભોગાવો-2 (વડોદ) જળાશય ખાતે 1875 મીલીયન ઘનફુટ, લીંક-3 માટે ધોળીધજા ડેમ ખાતે 450 મીલીયન ઘનફુટ, લીંક-4 માટે લીંબડી ભોગાવો-2 (વડોદ) જળાશય ખાતે 1050 મીલીયન ઘનફુટ અને ગોમા-સુખભાદર પાઇપલાઇન માટે 250 મીલીયન ઘનફુટ મળી કુલ-4000 મીલીયન ઘનફુટ નર્મદાના નીર પૂરક સિંચાઇ અને પીવાના પાણી માટે છોડવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
રાજય સરકારની મહત્વકાંક્ષી એવી સૌની યોજના અંતર્ગત હાલ રાજકોટની જળ સમસ્યાને ઉકેલવા આજી ડેમમાં નર્મદાનીર ઠાલવવામાં આવી રહ્યા છે. હવે સૌની યોજનાથી સૌરાષ્ટ્રના આઠ જિલ્લ્લાનાં 50 જળાશયોથી ભરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી ખેડુતો ઉનાળુ પાક પણ લઈ શકશે અને સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા પણ નહી સર્જાય.


