સુરતમાં પોલીસના સ્વાંગમાં વેપારીઓ પાસેથી નાણા પડાવતો યુવાન ઝબ્બે
અમદાવાદઃ સુરતમાં પોલીસની ઓળખ આપીને વેપારીઓ પાસેથી નાણા પડાવતા યુવાનને ઝડપી લઈને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ફર્નિચરની દુકાનમાંથી આરોપીએ પોલીસની ઓળખ આપીને બે સોફા લઈ ગયો હતો. આ ઉપરાંત અન્ય વેપારીઓ પાસેથી પણ તેણે નાણા પડાવ્યાં હોવાનું પોલીસ માની રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડુંભાલ ખાતે રહેતા રોહિતકુમાર વિનુભાઈ પુણા કેનાલ રોડ વિસ્તારમાં ફર્નિચરનો વ્યવસાય કરે છે. થોડા મહિના પહેલા તેમને ત્યાં એક વ્યક્તિ આવ્યો હતો અને પોતાનું નામ કુલદીપ આહીર જણાવીને પીઆઈના રાઈટર તરીકેની ઓળખ આપી હતી. તેમજ પોલીસ સ્ટેશનમાં સોફાની જરૂર હોવાનું કહીને રોહિતકુમારને ધમકી આપીને બે સોફા લઈ ગયો હતો. તેણે અન્ય નાના વેપારીઓ પાસેથી પોલીસની ઓળખ આપીને નાણા પડાવ્યાં હતા. સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લીધો હતો. તેમજ તેની પૂછપરછ આરંભી હતી. તપાસમાં અન્ય ખુલાસા થવાની શકયતાઓ છે. પોલીસના સ્વાંગમાં નાણા પડાવતા યુવાનનું નામ કિરણ ઉર્ફે કુલદીપ બારડ હોવાનું ખૂલ્યું હતું. યુવાન વર્દી પહેરીને પોલીસના નામે રોફ પણ જમાવતો હતો.