
હાલના ટેકનોલોજીના યુગમાં ભારતીયોએ શાસ્ત્રોની સાથે તકનીકી જ્ઞાન પણ મેળવવું આવશ્યકઃ ઋષિકેશ પટેલ
અમદાવાદઃ આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ગુજરાતને વૈશ્વિક ડેસ્ટિનેશન બનાવવા એસોચેમ દ્વારા ગુજરાત નેશનલ લો યુનવર્સિટી અને ગણપત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે 21 મી સદીમાં ભારત વિશ્વ માટે શિક્ષણ ક્ષેત્રે પથદર્શક બની રહ્યું છે. ગુલામીના ઇતિહાસને કારણે ભારતીયોને જે શીખવાનું બાકી હતું તે આજના સમયમાં શીખી રહ્યા છે. ભારતની મોટી મોટી યુનિવર્સિટીઓમાં શાસ્ત્રોનું જ્ઞાન આપાયું છે. પ્રવર્તમાન ટેકનોલોજીના યુગમાં ભારતીયોએ શાસ્ત્રોની સાથે સાથે તકનીકી જ્ઞાન પણ મેળવવું આવશ્યક છે.
મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ થકી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નવી શૈક્ષણિક નીતિથી દેશમાં શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ આવશે. ગુજરાતને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વૈશ્વિક સ્તરે લોકોની પસંદ બનાવવા શું શું જરૂરી છે તે સંદર્ભેની ચર્ચા માટે આ પરિષદ મહત્વની રહેશે.
મંત્રીએ ઉમેર્યું કે, દેશના અમૃતકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધીને સૌથી સક્ષમ દેશ બનશે. ભૂતકાળમાં ભારત વિશ્વની નવીન ટેકનોલોજી આયાત કરતું હતું પરંતુ આવનારા દિવસોમાં વિશ્વ ભારતની ટેકનોલોજી ખરીદશે. આજે ભારત સ્વદેશી ટેકનોલોજીથી જ મંગળ અને ચંદ્ર પર પહોંચ્યું છે.
એસોચેમ(ધ એશોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઈન્ડીયા)ના ચેરમેન કુંવર શેખર વિજેન્દ્રએ કહ્યું કે, ગુજરાતમાં અસંખ્ય તકનીકી સંસ્થાઓ અને એન્જિનિયરિંગ કોલેજો કાર્યરત છે જેમાં એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને એપ્લાઇડ સાયન્સના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. તબીબી શિક્ષણ સંસ્થાઓ, કૃષિ અને પશુચિકિત્સા યુનિવર્સિટીઓ થકી રાજ્ય શૈક્ષણિક ક્ષેત્રે અનેરું યોગદાન આપી રહ્યું છે. ગુજરાત વિવિધ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપી રહ્યું છે. રાજ્ય સરકારે નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીઓ અને ઉદ્યોગો વચ્ચે સમજૂતી પણ કરી છે.
તેમણે ઉમર્યું કે, આજે ગુજરાતમાં ઓનલાઈન એજ્યુકેશન અને ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મે વેગ પકડ્યો છે. રાજ્યમાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ટેકો આપવા અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારે વિવિધ શિષ્યવૃત્તિઓ અને નાણાકીય સહાયતા કાર્યક્રમો અમલી છે. આ પરિષદ વિશ્વભરના અનુભવ અને ધોરણોની સમકક્ષ શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે ગુજરાતની પ્રગતિને આગળ ધપાવશે.