વડોદરાના માંજલપુરમાં કારચાલકને હાર્ટએટેક આવતા ચાર વાહનોને અડફેટે લીધા, કારચાલકનું મોત
વડોદરાઃ ગુજરાતમાં હાર્ટના સૌથી વધુ દર્દીઓ છે. માત્ર સિનિયર સિટિજનો જ નહીં પણ હવે યુવાનો પણ હાર્ટએટેકનો ભોગ બની રહ્યા છે. વાહનચાલકોને ચાલુ વાહન દરમિયાન હાર્ટેટેક આવે ત્યારે પણ ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક કારચાલકને હાર્ટએટેક આવતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ચાર જેટલાં વાહનોને અડફેટમાં લીધા હતા. કારચાલકને બેભાન અવસ્થામાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યાં હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉમા કોલોનીમાં રહેતા 52 વર્ષીય દિપક ગોવિંદલાલ શાહ પોતાની આઈ ટેન કાર લઈને દીપ ચેમ્બર તરફથી તુલસીધામ ચાર રસ્તા તરફ જતા હતા. કારમાં દિપક શાહ સહિત પાછળની સીટ પર તેમની દીકરી પણ બેઠી હતી. કાર ચલાવતા સમયે દિપક શાહને હાર્ટ એટેક આવતા બેભાન થઈ ગયા હતા અને કારના સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તાના કિનારે પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલરને અડફેટે લીધા હતા.ચાર વાહનો સાથે અથડાઈને દિપક શાહની કાર ઉભી રહી ગઈ હતી. અકસ્માતને લીધે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા. કારમાંથી બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા. દિપક શાહની પુત્રીએ સ્થાનિક ટોળાને સમજાવતા તેઓને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. માંજલપુર પોલીસે સમગ્ર બનાવમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતને નજરે જોનારા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આઇ ટેન કારે બલેનો કાર, સ્કૂટર અને અન્ય બે કારને ટક્કર મારી હતી. કારચાલકની દીકરીએ કહ્યું હતું કે, તેમને હાર્ટ એટેક આવ્યો છે. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડોદરામાં હાર્ટએટેકના બનાવો વધતા જાય છે. આઠ દિવસ પહેલા જ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં વર્ષોથી ચાની કીટલી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભીમસ ચંદુલાલ નાથાણી (ઉં.વ. 48)ને ચા બનાવતી વખતે હાર્ટ એટેક આવતા તેઓ સ્થળ પર ઢળી પડ્યા હતા. માત્ર 10 સેકન્ડમાં તેઓનું મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક આવતા ઢળી પડવાની સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી. જે સી.સી. ટી.વી. ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.