
રાજકોટઃ શહેરના એરપોર્ટ પર પ્રવાસીઓના ટ્રાફિકમાં વધારો થતો જાય છે. એરપોર્ટ પર એરપાર્કિંગની સુવિધામાં વધારો કરાયા બાદ અનેક શહેરો માટે નવી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. અને મોટાભાગની ફ્લાઈટ્સ ફુલ થઈ જાય છે. મે મહિના દરમિયાન રાજકોટ એરપોર્ટ પર 71373 મુસાફરોની અવર-જવર થઈ હતી. અને જુનના પ્રથમ પખવાડિયામાં પણ સારોએવો એરટ્ફિક જોવા મળ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એરપોર્ટ પરથી મુંબઈ, દિલ્હી, ગોવા, હૈદરાબાદ, બેંગ્લોર સહિતના શહેરો માટે ફ્લાઈટ ઉડાન ભરી રહી છે અને આ શહેરોની ફ્લાઈટ રાજકોટમાં લેન્ડ થઈ રહી છે ત્યારે મે મહિનામાં આ શહેરોમાંથી મે મહિના દરમિયાન 71373 મુસાફરો આવ્યા તેમજ ગયા હોવાનું એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. બીજી બાજુ એપ્રિલ મહિનામાં એરપોર્ટ પર 63664 અને માર્ચ મહિનામાં 62264 મુસાફરોની અવર-જવર થઈ હતી. હાલ વેકેશન પૂર્ણ થયા બાદ પણ એરપોર્ટ ઉપર ટ્રાફિકનો ધસારો અવિતર રહ્યો હોય તેવી રીતે છેલ્લા બે દિવસની અંદર 3705 મુસાફરો નોંધાયા હતા. રાજકોટ એરપોર્ટ પર 987 મુસાફરો ઉતર્યા હતા, તેમજ 830 મુસાફરોએ અહીંથી ઉડાન ભરી હતી. આવી જ રીતે ગઈકાલે 998 મુસાફરો આવ્યા હતા તો 890 મુસાફરોએ રાજકોટથી ઉડાન ભરી હતી.
રાજકોટ શહેર અને જિલ્લાના લોકો હરવા-ફરવાના શોખિન છે, એટલે રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે. શહેર અને જિલ્લામાં નાના-મોટા અનેક ઉદ્યોગો આવેલા છે. તેમજ સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક ક્ષેત્રે રાજકોટ હબ ગણાય છે. એટલે જ ઉદ્યોગકારો અને વેપારીઓ પોતાના ધંધાના કામ અર્થે હવાઈ મુસાફરી કરીને બહારગામ જતા હોય છે. ત્યારે રાજકોટ એરપોર્ટ પરથી ફ્લાઈટની સેવા સુગમ બની જતાં લોકો ફ્લાઈટમાં જવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે જેને ધ્યાનમાં રાખી એરલાઈન્સ દ્વારા પણ અહીં ફ્લાઈટમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજકોટથી મુંબઈ અને દિલ્હી જવા માટે ધસારો વધુ રહેતો હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ એરપોર્ટ ઉપર હવે એપ્રન (વિમાન પાર્કિંગ)ની સંખ્યા વધારીને ચાર કરવામાં આવી હોવાથી હવે એક સાથે ચાર ફ્લાઈટ અહીં પાર્ક થઈ શકે તેવી ક્ષમતા થઈ જતાં આવનારા દિવસોમાં અન્ય શહેરોની ફ્લાઈટ પણ રાજકોટને મળનાર હોવાનું જાણવા મળી રહ્યું છે જેના કારણે ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થશે.