
દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. ગ્લોબલ વોર્મિંગનો સામનો કરતા ભારતમાં પ્રદુષણને ઘટાડવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમના લૉન્ચિંગ બાદ સ્મોગથી અસરગ્રસ્ત શહેરોની સંખ્યા ઘટવાના બદલે વધી છે. ત્રણ વર્ષમાં દેશનાં વધુ પ્રદૂષિત શહેરોની સંખ્યામાં 30નો વધારો થઇ ગયો છે. આમ પ્રદુષિત શહેરોની સંખ્યા 102થી વધીને 132 ઉપર પહોંચી છે.
સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) 2019માં લૉન્ચ કરાયો ત્યારે 102 શહેરમાં પ્રદૂષણનું સ્તર રાષ્ટ્રીય માપદંડથી નીચે હતું. હવે શહેરોની સંખ્યા 132 થઇ ગઇ છે. દેશનું સૌથી વધારે પ્રદુષિત શહેર ગાઝિયાબાદ છે. જ્યારે બીજા ક્રમે દેશની રાજધાની દિલ્હી છે. 2019માં NCAPની શરુઆત 132 શહેરોમાં પાર્ટિક્યુલેટ મેટર (પીએમ) સ્તરમાં 2024 સુધી 20થી 30 ટકાનો ઘટાડો કરવા માટે કરાઇ હતી. પરંતુ તેમાં ઘટાડો થવાને બદલે આ શહેરોનું પીએમ લેવલ વધી ગયું છે. જો કે, રિપોર્ટ અનુસાર યુપીના શહેર ગાઝિયાબાદમાં હવાનું પીએમ સ્તર સૌથી ખરાબ રહ્યું છે.
દેશની 90 ટકાથી વધુ વસતી એવા વિસ્તારોમાં છે કે જ્યાંની હવાની ગુણવત્તા WHOના માપદંડોથી નીચે છે. કોલસા આધારિત વીજમથકો, કારખાનાં, વાહનો પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત છે. શિયાળામાં પરાળી બળાતાં સમસ્યા વધુ ગંભીર બને છે. 2020માં વિશ્વનાં સૌથી પ્રદૂષિત 10 શહેરમાંથી 9 ભારતનાં હતાં. બીજી તરફ દેશમાં વાયુ પ્રદૂષણથી 2019માં 16.70 લાખ લોકોનાં અકાળે મોત થયાંનું જાણવા મળે છે.
(Photo-File)