
ભારતે આ વર્ષે જરૂરિયાતમંદ 23 દેશને ઘઉંની નિકાસ કરીઃ વિદેશ મંત્રી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતો અને દુનિયાના અનેક દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, ખાદ્યસંકટની પરિસ્થિતિને જોતા નિકાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, જરૂરિયાતમંદ દેશોને ભારત ઘઉંની નિકાસ કરી રહ્યું છે અને ચાલુ વર્ષે લગભગ 23 જેટલા દેશમાં ઘઉંની નિકાસ કરવામાં આવી છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, “અમે ઘણા ઓછી આવક ધરાવતા દેશોમાં ઘઉંની નિકાસ કરીએ છીએ પરંતુ અમે જોયું છે કે અમારા ઘઉંનો વેપાર માટે સ્ટોક કરવામાં આવી રહ્યો છે.” ભારતમાં પણ ખાદ્ય સંકટની સ્થિતિ સર્જાઈ શકે છે. એટલા માટે અમે ભારતમાંથી ઘઉંની નિકાસની ઓપન એક્સેસ પર પ્રતિબંધ મૂક્યો છે. અમે હજુ પણ જરૂરિયાતમંદ દેશોને મદદ કરી રહ્યા છીએ. આ વર્ષે પણ અમે લગભગ 23 દેશોમાં ઘઉંની નિકાસ કરી છે અને હજુ પણ આવા દેશોને મદદ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ક્રુડ ઓઈલ અને ખાદ્યસામગ્રીની અછત ઉભી થઈ છે. દરમિયાન અનેક દેશોએ ઘઉંની આપાત માટે ભારત ઉપર પસંદગી ઉતારી હતી. જો કે, દેશમાં જ અછત ઉભી થવાની શકયતાને ધ્યાનમાં રાખીને નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેથી અમેરિકા સહિત અનેક દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, અગાઉ પણ ભારતે સ્પષ્ટ કર્યું હતું કે, જરૂરિયાતમંદ દેશોને ભારત મદદ કરશે.