બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ સતત થઈ રહેલી હિંસા મુદ્દે ભારતે વ્યક્ત કરી ચિંતા
નવી દિલ્હી 27 ડિસેમ્બર 2025: On the issue of violence against minorities ભારતે પાડોશી દેશ બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસાની ઘટનાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને બૌદ્ધો વિરુદ્ધ “સતત વેરભાવ” એ એક ગંભીર વિષય છે અને ભારત ત્યાંની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે, ભારત મયમનસિંઘમાં એક હિન્દુ યુવકની હત્યાની કડક નિંદા કરે છે અને આશા રાખે છે કે આ જઘન્ય અપરાધના દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન લઘુમતીઓ વિરુદ્ધ 2,900 થી વધુ હિંસક ઘટનાઓ નોંધાઈ છે, જેમાં હત્યા, આગચંપી અને જમીન પચાવી પાડવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.
જાયસવાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ઘટનાઓને મીડિયાની અતિશયોક્તિ અથવા માત્ર રાજકીય હિંસા ગણાવીને નજરઅંદાજ કરી શકાય નહીં. તેમણે બાંગ્લાદેશમાં ભારત વિરોધી “ખોટા નેરેટિવ” ને પણ ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારની જવાબદારી છે.
બાંગ્લાદેશી મીડિયાના અહેવાલ મુજબ, ગુરુવારે વધુ એક 29 વર્ષીય હિન્દુ યુવક (અમૃત મંડલ) ની હત્યાના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર બુધવારે મોડી રાત્રે ટોળાએ તેને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અગાઉ 18 ડિસેમ્બરે પણ 25 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ઈશનિંદાના ખોટા આરોપો હેઠળ નૃશંસ હત્યા કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને બાંગ્લાદેશી સત્તાવાળાઓના સંપર્કમાં છે. ભારતે સ્પષ્ટ માંગ કરી છે કે લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાની નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતોને સજા આપવામાં આવે.ઉલ્લેખનીય છે કે, 17 ડિસેમ્બરે ભારતે બાંગ્લાદેશના હાઈકમિશનર રિયાઝ હમીદુલ્લાહને તેડાવીને ત્યાંની કથળતી સુરક્ષા સ્થિતિ અંગે પોતાનો કડક વિરોધ નોંધાવ્યો હતો. મંત્રાલયે એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે કેટલાક કટ્ટરપંથી તત્વો ઢાકા સ્થિત ભારતીય મિશનની આસપાસ સુરક્ષા સંકટ ઊભું કરવાની યોજના બનાવી રહ્યા છે. ભારતે બાંગ્લાદેશની વચગાળાની સરકારને અપીલ કરી છે કે તેઓ પોતાની રાજદ્વારી જવાબદારીઓ હેઠળ ભારતીય મિશન અને સંસ્થાઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.
વધુ વાંચો: બાંગ્લાદેશમાં અજ્ઞાત બંદૂકધારીઓનો ભય, 127 નેતાઓ ઉપર ભમતુ મોત


