ભારત: ચાલુ વર્ષે GDP ગ્રોથ 7.4 ટકા રહેવાનો અંદાજ
નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: ભારતના અર્થતંત્ર માટે સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા નાણાકીય વર્ષમાં જોવા મળેલી આર્થિક નરમાઈ બાદ હવે ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસ દર ફરી વેગ પકડે તેવી પ્રબળ શક્યતા છે. સરકારના તાજેતરના પૂર્વાનુમાન મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો જીડીપી (GDP) વૃદ્ધિ દર 7.4 ટકા રહી શકે છે, જે વર્ષ 2024-25માં 6.5 ટકા નોંધાયો હતો.
સર્વિસ સેક્ટર બનશે ગ્રોથ એન્જિન
રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO) ના અહેવાલ મુજબ, આ આર્થિક તેજીનું નેતૃત્વ સર્વિસ સેક્ટર કરશે. જેમાં ફાઇનાન્શિયલ, રિયલ એસ્ટેટ અને જાહેર વહીવટ જેવા ક્ષેત્રોમાં 9.9 ટકાના દરે સૌથી ઝડપી વૃદ્ધિની અપેક્ષા છે. આ ઉપરાંત હોટલ, પરિવહન અને કોમ્યુનિકેશન ક્ષેત્રે 7.5 ટકા વૃદ્ધિનો અંદાજ છે જ્યારે ઉત્પાદન અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં 7.0 ટકાની રફ્તાર જોવા મળશે.
મોંઘવારી ઘટશે અને રૂપિયો સ્થિર થશે
ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના મુખ્ય અર્થશાસ્ત્રી દેવેન્દ્ર કુમાર પંતના જણાવ્યા અનુસાર, આગામી વર્ષોમાં ઊંચા વિકાસ દરની સાથે છૂટક મોંઘવારી દર ઘટીને સરેરાશ 3.8 ટકા પર આવી શકે છે. ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરારો જીડીપીને વધુ મજબૂતી આપશે. જોકે, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય સરેરાશ 92.26 રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) થી વિદેશી રોકાણ વધશે
ભારત આગામી સમયમાં ન્યુઝીલેન્ડ, બ્રિટન અને ઓમાન સાથે મુક્ત વ્યાપાર કરારો (FTA) કરવા જઈ રહ્યું છે. આનાથી વિદેશી રોકાણને પ્રોત્સાહન મળશે અને ચાલુ ખાતાની ખાધ (CAD) નિયંત્રિત કરવામાં મદદ મળશે. ઇન્ડિયા રેટિંગ્સનું માનવું છે કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2026-27માં ‘વિકસિત ભારત-રામ-જી અધિનિયમ‘ હેઠળ મોટી જાહેરાતો થઈ શકે છે.
સરકારી તિજોરી પરના બોજ અંગે એજન્સીએ અનુમાન લગાવ્યું છે કે ટેક્સની આવકમાં આશરે બે લાખ કરોડ રૂપિયાની ઘટ પડી શકે છે, પરંતુ તેની ભરપાઈ બિન-કર આવક દ્વારા કરવામાં આવશે. પરિણામે, રાજકોષીય ખાધ જીડીપીના 4.4% ના લક્ષ્યાંકની અંદર એટલે કે 15.69 લાખ કરોડ રૂપિયાની અંદર જ રહેશે તેવી ધારણા છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારથી હેલ્પલાઈન શરૂ


