1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતે ડેરી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક બહુઆયામી લક્ષ્ય સિદ્ધ કર્યા છે: કેન્દ્રિય મંત્રી અમિત શાહ
ભારતે ડેરી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક બહુઆયામી લક્ષ્ય સિદ્ધ કર્યા છે: કેન્દ્રિય મંત્રી અમિત શાહ

ભારતે ડેરી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક બહુઆયામી લક્ષ્ય સિદ્ધ કર્યા છે: કેન્દ્રિય મંત્રી અમિત શાહ

0
Social Share

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહે ગાંધીનગર ખાતેથી આણંદમાં નિર્માણ પામનારા નેશનલ કો-ઑપરેટિવ ડેરી ફેડરેશન ઑફ ઇન્ડિયા (NCDFI)ના મુખ્યાલયનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઈ-માર્કેટ પ્લેટફૉર્મ મારફતે વિવિધ ડેરી ઉત્પાદનો અને કૃષિ ઉપજોનો વેપાર કરનારા અને સેવાઓ પૂરી પાડનારા ડેરી સહકારી મંડળીઓના હિતધારકોના પ્રયાસોને સન્માનિત કરતા NCDFI ઈ-માર્કેટ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યાં હતાં. ભારતના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 37 વિજેતા સંગઠનોને આ અન્‍વયે આ પુરસ્કારો એનાયત કરાયા હતા.

NCDFI મુખ્યાલયના શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતે આજે વિશ્વ સમક્ષ ડેરી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક બહુઆયામી લક્ષ્ય સિદ્ધ કર્યા છે. સહકારી ડેરી ઉદ્યોગથી માત્ર દૂધ ઉત્પાદક જ નહિ, પરંતુ સમગ્ર સમાજ, ગામ અને કૃષિ ક્ષેત્રને પણ અનેક લાભ મળે છે. તેમણે સહકારી ડેરીના લાભ ગણાવતા કહ્યું હતું કે, દરેક ગામ, દરેક જિલ્લા અને રાજ્યોમાં પણ દૂધ સંઘો કાર્યરત હોવાથી ગામડાંના દૂધ ઉત્પાદકોને દૂધ સંઘ મારફત દૂધના પોષણક્ષમ ભાવ મળે છે. અને તેમનું શોષણ થતું અટકે છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, સહકાર ક્ષેત્રથી માત્ર દૂધના પોષણક્ષમ ભાવ જ નહિ, પરંતુ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો દ્વારા પશુઓની નસલ સુધારા, પશુ આરોગ્ય અને પશુ સારવારની પણ ચિંતા કરવામાં આવે છે. આ સાથે જ કુપોષિત બાળકોને પોષણયુક્ત દૂધ પહોંચાડીને સહકારી ડેરીઓ પોષણ અભિયાનમાં પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

તેમણે અમદાવાદ જિલ્લાની સહકારી ડેરીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા દૂધ સંઘ દ્વારા સગર્ભા માતાઓને લાડુ વિતરણ કરવામાં આવે છે. જેથી તેઓ કુપોષણ મુક્ત બાળકને જન્મ આપી શકે.

કેન્દ્રીય સહકાર મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતથી શરુ થયેલી શ્વેત ક્રાંતિનો સાચો શ્રેય ગામડામાં પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલી બહેનોને જાય છે. તે સમયે ડેરી અને ડેરી ટેકનોલોજીની કલ્પના પણ નહોતી, એ પ્રકારની ડેરી વ્યવસ્થા અને પરિસ્થિતિનું આજે રાજ્યમાં સર્જન થયું છે. આજે દેશભરમાં ગુજરાત સહકારી ડેરી ક્ષેત્રે રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. ભારતનું દરેક ગામ દૂધ ઉત્પાદનમાં અગ્રેસર બને અને ગામડે-ગામડે દૂધ સંઘો શરુ થાય તે માટે વિવિધ રાજ્યોની સહકારી ડેરીને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના (NDDB) માધ્યમથી જોડવાનું કામ શરુ કર્યું છે.

મંત્રી શાહે જણાવ્યું કે, આજે વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારત 24 ટકા યોગદાન સાથે પ્રથમ છે, અને છેલ્લા 8 વર્ષમાં ભારતના દૂધ ઉત્પાદનમાં 51 ટકાનો માતબર વધારો થયો છે. જેમાં ગુજરાતનું યોગદાન પણ મહત્વપૂર્ણ છે. રાજ્યમાં 1946માં એક ડેરીએ દૂધ ઉત્પાદકોનું શોષણ કર્યું અને પરિણામે એક વિરાટ આંદોલન બાદ શ્વેત ક્રાંતિની શરૂઆત થઇ. તે જ સમયે અમૂલ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડનો પણ ઉદય થયો. આજે એ જ અમૂલનું ટર્ન ઓવર 70 હજાર કરોડ છે અને અમૂલ ડેરી રોજનું 40 હજાર લીટર દૂધ પ્રોસેસ કરે છે. માત્ર અમૂલ જ નહિ, ગુજરાતમાં ડેરી ક્ષેત્રમાં આજે અનેક પ્રતિષ્ઠિત બ્રાંડ પોતાનું યોગદાન આપી રહી છે. ગુજરાતની દરેક ગરીબ મહિલાને આત્મનિર્ભર બનાવવા સહકારી ડેરીઓ તરફથી અનેક પ્રયાસો થઇ રહ્યા છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નેશનલ કો. ઓપરેટિવ ડેરી ફેડરેશનના આ નવા ભવનના શિલાન્યાસને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને દેશના પ્રથમ સહકાર મંત્રી  અમિતભાઈ શાહના દિશાદર્શનમાં ‘સહકાર થી સમૃદ્ધિ’ ની દિશામાં વધુ એક પહેલરૂપ ગણાવ્યો હતો.

તેમણે કહ્યું કે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપને પરિણામે દેશમાં આઝાદીના દશકો બાદ પ્રથમ વાર અલગ સહકારીતા મંત્રાલય શરૂ થયું છે. એટલું જ નહીં, આ મંત્રાલયની જવાબદારી પણ સહકાર ક્ષેત્રના અગ્રણી અને સબળ નેતૃત્વકર્તા અમિતભાઈ શાહને સોંપવામાં આવી છે. અમિતભાઈના નેતૃત્વ અને કુશાગ્ર માર્ગદર્શનમાં દેશના કો-ઓપરેટીવ સેક્ટરમાં નવા સોપાનો સર થઈ રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code