ભારત કૃષિ ક્ષેત્ર જ નહીં હવે સંરક્ષણ ક્ષેત્રે બન્યું આત્મનિર્ભરઃ પીએમ મોદી
દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1965માં યુદ્ધ થયું હતું. તે સમયે ભારતે હથિયારો માટે વિદેશ ઉપર નિર્ભર રહેવુ પડતું હતું. કૃષિ ક્ષેત્રે જ નહીં પણ સંરક્ષણ અને હથિયાર ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે જે તે સમયે દીનદયાળજીએ કહ્યું હતું. આજે ભારતમાં મેડ ઈન ઈન્ડિયા હથિયાર બની રહ્યાં છે અને ફાઈટર જેટ્સનું નિર્માણ થઈ રહ્યું છે. આમ ભારતમાં ડિફેન્સ કોરિડોર બની રહ્યા છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના કાર્યકરોને સંબોધિત કરતા જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત આજે રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી આગળ વધી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ભારતનું કદ વધી રહ્યું છે.સમગ્ર વિશ્વમાં ફેલાયેલો ભારતીય સમુદાય જે ગર્વ સાથે જીવી રહ્યો છે તેનું કારણ ભારતમાં થઈ રહેલી પ્રગતિ છે. આત્મનિર્ભર ભારત અભિયાન દેશના ગામડાઓ, ગરીબો, ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના ભવિષ્યનું નિર્માણ બની રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં થઈ રહેલા મોટા ફેરફારો પણ સામાન્ય માનવીના જીવનને સરળ બનાવી દેશે, દેશને એક નવી અને ભવ્ય ઓળખ આપશે. સામાજીક જીવનમાં એક નેતા કેવો હોવો જોઈએ, ભારતના લોકતંત્ર અને મૂલ્યોને કેવી રીતે જીવવું જોઈએ તેનું દીનદયાળજી બહુ મોટું ઉદાહરણ છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, ભાજપે જ્યારે 3 નવા રાજ્યો બનાવ્યા તો તેની પદ્ધતિમાં દીનદયાળજીના સંસ્કારોનો પ્રભાવ સ્પષ્ટ દેખાઈ આવશે. ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડનું નિર્માણ થયું, ઝારખંડમાંથી બિહાર બનાવાયું અને છત્તીસગઢને મધ્ય પ્રદેશથી અલગ કરી દેવામાં આવ્યું પરંતુ તે સમયે દરેક રાજ્યમાં ઉત્સવનો માહોલ હતો.


