ભારત ઈરાન સાથે સીધો અને નિર્ણાયક સંવાદ કરી રહ્યું છે: એસ.જયશંકર
નવી દિલ્હી, 16 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં છેલ્લા 17 દિવસથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષે વૈશ્વિક તેલ બજારને હચમચાવી દીધું છે. આ યુદ્ધની સૌથી મોટી અસર હોર્મુઝની સામુદ્રધુની પર જોવા મળી રહી છે, જેના કારણે દુનિયાભરમાં તેલ પુરવઠા પર ગંભીર સંકટ ઊભું થયું છે. જોકે, આ અત્યંત તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતે એક શાનદાર રાજદ્વારી અને કૂટનીતિક પગલું ભર્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત ઈરાન સાથે સીધો અને નિર્ણાયક સંવાદ કરી રહ્યું છે, જેના પરિણામે ભારતીય ધ્વજ વાળા જહાજોનું સુરક્ષિત આવાગમન સુનિશ્ચિત થઈ રહ્યું છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાની સત્તાધીશો સાથેના સીધા સંવાદથી અત્યંત સકારાત્મક પરિણામો મળ્યા છે. આના જ ભાગરૂપે હજુ પણ અન્ય ઘણા ભારતીય જહાજો હોર્મુઝના જળમાર્ગમાંથી પસાર થવાના બાકી છે. ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં જયશંકરે સ્પષ્ટતા કરી હતી કે દરેક ભારતીય જહાજને વ્યક્તિગત રીતે પસાર થવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ માટે ભારત અને ઈરાન વચ્ચે કોઈ નવો ઔપચારિક કરાર થયો નથી.
આ દરમિયાન જયશંકરે એ પણ સ્પષ્ટ કર્યું કે ભારતીય જહાજોના સુરક્ષિત આવાગમનના બદલામાં ભારત તરફથી ઈરાનને કોઈ વિશેષ લાભ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું, “ભારત અને ઈરાન વચ્ચે જૂનો અને મજબૂત સહયોગ રહ્યો છે, અને આ જ ઐતિહાસિક સંબંધોના આધારે અમે આ પગલું ભર્યું છે. આ કોઈ લેવડ-દેવડનો મામલો નથી.”
ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે જ ઈરાને ભારતીય ધ્વજવાળા બે એલપીજી જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતના ગણતરીના કલાકોમાં જ આ સકારાત્મક પગલું જોવા મળ્યું હતું. અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચેનો આ પહેલો સંપર્ક હતો. આ ઉપરાંત, વિદેશ મંત્રી જયશંકર અને તેમના ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી વચ્ચે પણ સઘન ચર્ચા થઈ હતી.
ઈરાને હોર્મુઝનો વ્યૂહાત્મક જળમાર્ગ માત્ર અમેરિકન, ઇઝરાયેલી અને તેમના સહયોગી દેશોના જહાજો માટે જ બંધ રાખ્યો છે. નોંધનીય છે કે દુનિયાનું લગભગ 20 ટકા જેટલું ક્રૂડ ઓઇલ આ જળમાર્ગ પરથી પસાર થાય છે. છેલ્લા 17 દિવસથી ચાલી રહેલા સંઘર્ષને કારણે આ માર્ગના સંચાલનમાં ભારે વિક્ષેપ પડ્યો છે, જેને પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ની કિંમત 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે.
આવી કટોકટીભરી પરિસ્થિતિમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સહયોગી દેશોને હોર્મુઝની સામુદ્રધુનીની સુરક્ષા માટે યુદ્ધજહાજો મોકલવા અપીલ કરી છે. જોકે, મોટાભાગના દેશોએ ટ્રમ્પની આ અપીલને નકારી કાઢી છે. જાપાનથી લઈને ઓસ્ટ્રેલિયા સુધીના દેશોએ પોતાના યુદ્ધજહાજો મોકલવાનો સાફ ઇનકાર કરી દીધો છે.
બીજી તરફ, ભારતની વાત કરીએ તો ભારતે કોઈ લશ્કરી જોડાણમાં જોડાવાના બદલે પોતાની સ્વતંત્ર રણનીતિ અપનાવીને સીધા સંવાદ દ્વારા પોતાના જહાજો માટે સુરક્ષિત માર્ગ શોધ્યો છે. જયશંકરે એમ પણ જણાવ્યું હતું કે ભારત પોતાની આ સફળ રણનીતિ યુરોપિયન દેશો સાથે શેર કરવા માટે તૈયાર છે, પરંતુ દરેક દેશના ઈરાન સાથેના રાજદ્વારી સંબંધો અને સ્થિતિ અલગ-અલગ છે.
આ પણ વાંચોઃ હોર્મુઝ કટોકટી: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની અપીલ છતાં જાપાનનો યુદ્ધજહાજ મોકલવાનો ઇનકાર


