ભારત-નેપાળ વચ્ચે ગુનાહિત મામલાઓમાં પરસ્પર કાનૂની સહાય માટે કરાર પર હસ્તાક્ષર
કાઠમંડુ, 18 ફેબ્રુઆરી 2026: ભારત અને નેપાળે ગુનાહિત બાબતોમાં પરસ્પર કાનૂની સહાય પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. વર્ષોની લાંબી ચર્ચાઓ બાદ આખરે કાઠમંડુમાં આ સમજૂતીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ કરારથી બંને દેશોમાં આર્થિક ગુનાઓ અને આતંકવાદ સામે લડવા માટે એક મજબૂત કાનૂની માળખું તૈયાર થશે.
નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવ અને નેપાળના કાયદા મંત્રાલયના સંયુક્ત સચિવ બિનોદ કુમાર ભટ્ટરાઈએ આ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, આ કરારથી બંને દેશોના સક્ષમ સત્તાધિકારીઓ વચ્ચે ગુનાહિત તપાસ, કાયદાકીય કાર્યવાહી અને પુરાવા એકત્રિત કરવા માટે સત્તાવાર સહયોગ મળશે. આ સમજૂતી કાયદાના શાસનને મજબૂત કરવા અને ન્યાય પ્રણાલીમાં બંને દેશો વચ્ચેના સંકલનને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
નેપાળના અધિકારીઓને આશા છે કે ભારત સાથેનો આ કરાર નેપાળને વૈશ્વિક સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવામાં મદદરૂપ થશે. નેપાળને ફેબ્રુઆરી ૨૦૨૩માં ફરીથી ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ કરાર મની લોન્ડરિંગ અને આતંકવાદી પ્રવૃત્તિઓના ધિરાણને રોકવા માટેના પરસ્પર મૂલ્યાંકનમાં પણ સહાય કરશે. તે નાણાકીય ગુનાઓને ડામવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
જોકે આ કાનૂની સહાયનો કરાર થયો છે, પરંતુ ભારત અને નેપાળ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર થવાના હજુ બાકી છે. આ બાબતે મુખ્ય વિવાદ એ છે કે શું ત્રીજા દેશના નાગરિકોનું પ્રત્યાર્પણ કરવું જોઈએ કે નહીં. નોંધનીય છે કે 2019માં નેપાળે ચીન સાથે પણ આવી જ કાનૂની સહાય સમજૂતી કરી હતી. હવે બંને દેશો રાજદ્વારી માધ્યમો દ્વારા એકબીજાને જાણ કર્યા બાદ આ કરાર સત્તાવાર રીતે અમલી બનશે. આનાથી ભારત અને નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય સુરક્ષા સંબંધોમાં એક નવો અધ્યાય જોડાશે.
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂર: ભારતીય વુયુસાનેએ પરમાણુ સંગ્રહ સ્થાન પર હુમલો કર્યો હતો, એવિએશન નિષ્ણાતનો દાવો


