
ભારતમાં ઘઉં અને ચોખાનું મલબખ ઉત્પાદન થશેઃ વાવેતર વિસ્તારમાં થયો વધારો
દિલ્હીઃ કૃષિ બિલના વિરોધમાં ખેડૂત આંદોલન વચ્ચે ચાલુ વર્ષે રવિ કૃષિ પાકના વાવેતરમાં જંગી વધારો થયો છે. આ વર્ષે 685 લાખ હેકટરમાં રવિપાકનું બમ્પર વાવેતર થયું છે. જે ગયા વર્ષની સરખામણીમાં 3 ટકા જેટલું વધારે છે. ઘઉં, ચણા સહિતના પાકના વાવેતરમાં વધારો થયો છે. જ્યારે જુવાર, મકાઈ અને જવાના વાવેતરમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. ચાલુ વર્ષે ઘઉં અને ચોખાનું જંગી ઉત્પાદન થવાની શકયતાઓ છે.
કૃષિ મંત્રાલયના આંકડા મુજબ દેશમાં 29 જાન્યુઆરી 2021 સુધી 685 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયુ છે. ચાલુ રવિ સીઝનમાં 346.36 લાખ હેકટરમાં ઘઉં, 35.23 લાખ હેકટરમાં ચોખાનું, 167.38 લાખ હેકટરમાં કઠોળનું વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીમાં ઘઉંના વાવેતરમાં 3 ટકા, ચોખાના વાવેતરમાં 17 ટકા અને કઠોળના વાવેતરમાં 2.8 ટકાનો વધારો થયો છે. આવી જ રીતે ચણાના વાવેતરમાં 4.4 ટકા. મસુરના વાવેતરમાં 2.6 ટકા અને અડધના વાવેતરમાં 7.4 ટકા તથા તેબીલિયાના વાવેતર વિસ્તારમાં 5 ટકાનો વધારો થયો છે. બીજી તરફ વટણાના વાવેતરમાં 2.6 ટકા અને મગનું વાવેતર વિસ્તાર એક ટકા ઘટ્યો છે. આમ ચાલુ વર્ષે ચોખા અને ઘઉંનું મબલખ ઉત્પાદન થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 665.59 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. ગત વર્ષે 336.43 લાખ હેકટરમાં ઘઉં, 30.30 લાખ હેકટરમાં ચોખાનું, 162.87 લાખ હેકટરમાં કઠોળનું અને 79.98 લાખ હેકટર જમીનમાં તેલિબીયાનું ઉત્પાદન થયું હતું.