
ભારત ટૂંક સમયમાં વિશ્વની બીજી સૌથી મોટી શહેરી મેટ્રો સિસ્ટમ બની જશે: હરદીપ પુરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભારત ટૂંક સમયમાં વિશ્વની બીજી સૌથી મોટી શહેરી મેટ્રો સિસ્ટમ બની જશે. તેમણે છેલ્લા દાયકામાં શહેરી મેટ્રો પરિવહનમાં નોંધપાત્ર પ્રગતિની પણ પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પુરીએ મેટ્રો રાઇડર્સશિપમાં નોંધપાત્ર વધારા પર ભાર મૂક્યો હતો. જેમાં એકલા દિલ્હી કેપિટલ રિજનના 73 લાખ મુસાફરો સહિત દરરોજ એક કરોડ મુસાફરોનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, “હાલ દરરોજ 1 કરોડ લોકો મેટ્રોમાં સવાર થાય છે, અને 1 કરોડ લોકોમાંથી, 73 લાખ લોકો દિલ્હી રાજધાની પ્રદેશના રાઇડર્સશિપ છે.” તેમણે ઝડપી શહેરીકરણ હોવા છતાં શહેરની અંદર મુસાફરીની સરળતાની નોંધ લીધી હતી. તેમણે જાહેરાત કરી હતી કે હાલમાં દેશમાં 945 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક કાર્યરત છે. વધારાના 1,000 કિલોમીટરનું બાંધકામ કાર્ય પ્રગતિમાં છે, જે નજીકના ભવિષ્યમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આજે શહેરની વસ્તી ઝડપથી વધી રહી હોવા છતાં, શહેરના એક ભાગથી બીજા ભાગમાં વાજબી સમયની અંદર મુસાફરી કરવી સરળ છે. વધુ લોકો શહેરી પરિવહનને અપનાવી રહ્યા છે.” પુરીએ 2002માં મેટ્રો સિસ્ટમ શરૂ કરવા માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની દૂરંદેશી પહેલને શ્રેય આપ્યો હતો. દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશનર બીએસ બસ્સીએ દિલ્હી મેટ્રોના વિસ્તરણની પ્રશંસા કરી હતી. અને ટ્રાફિકની ભીડ ઘટાડવામાં તેની ભૂમિકા સ્વીકારી હતી. તેમણે કહ્યું કે, “1970ના દાયકામાં, ટ્રાફિક અરાજકતા અને જામ ખૂબ જ હતા. કેન્દ્ર સરકાર હેઠળ દિલ્હી મેટ્રો જે રીતે વિસ્તરી રહી છે તે પ્રશંસનીય છે.”