નવી દિલ્હીઃ આર્મી ચીફ (COAS) જનરલ મનોજ પાંડે આજથી બે દિવસની બાંગ્લાદેશના પ્રવાસે ગયા છે. આર્મી ચીફની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના વરિષ્ઠ લશ્કરી નેતૃત્વને મળશે, જ્યાં તેઓ ભારત-બાંગ્લાદેશ સંરક્ષણ સંબંધોને આગળ લઈ જવાના માર્ગો પર ચર્ચા કરશે. આર્મી ચીફ બાંગ્લાદેશ મિલિટરી એકેડમી (BMA), ચટ્ટોગ્રામ ખાતે 84મા લાંબા કોર્સના ઓફિસર કેડેટ્સની પાસિંગ આઉટ પરેડ (POP)ની સમીક્ષા કરશે.
પરેડ દરમિયાન, આર્મી ચીફ બીએમએમાંથી પાસિંગ આઉટ કોર્સના શ્રેષ્ઠ વિદેશી કેડેટ (વિદેશી મૈત્રીપૂર્ણ દેશોમાંથી) માટે સ્થાપિત ‘બાંગ્લાદેશ ઈન્ડિયા ફ્રેન્ડશિપ ટ્રોફી‘ રજૂ કરશે. આ વર્ષની પ્રથમ ટ્રોફી તાન્ઝાનિયાના ઓફિસર કેડેટ એવર્ટનને આપવામાં આવી રહી છે. આ ટ્રોફી પાસિંગ આઉટ કોર્સના શ્રેષ્ઠ વિદેશી કેડેટ માટે ડિસેમ્બર 2021માં ઈન્ડિયન મિલિટ્રી એકેડમી (IMA), દેહરાદૂનમાં સ્થાપિત ‘બાંગ્લાદેશ ટ્રોફી અને મેડલ‘ના બદલામાં સ્થાપિત કરવામાં આવી છે.
આર્મી ચીફ 10 જૂન 2023 ના રોજ IMA, દેહરાદૂન ખાતે POP ની સમીક્ષા કરશે અને બાંગ્લાદેશ મેડલ અને ટ્રોફી રજૂ કરશે. આ કાર્યક્રમ ઉપરાંત, આર્મી ચીફ બાંગ્લાદેશના વરિષ્ઠ સહયોગી અધિકારીઓ સાથે દ્વિપક્ષીય સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરશે અને બાંગ્લાદેશના સશસ્ત્ર દળો વિભાગના ચીફ ઓફ આર્મી સ્ટાફ અને ચીફ ઓફ સ્ટાફને પણ મળશે.
આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ COASએ જુલાઈ 2022 માં તેમની પ્રથમ વિદેશ યાત્રા પર બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. બાંગ્લાદેશના આર્મી ચીફ આ વર્ષે એપ્રિલમાં ભારતની મુલાકાતે આવ્યા હતા અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી, ચેન્નાઈ ખાતે પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી. દ્વિપક્ષીય સહયોગ કાર્યક્રમો જેમ કે ટોચના સૈન્ય અધિકારીઓની વારંવાર મુલાકાતો અને સંયુક્ત સૈન્ય કવાયતો બંને દેશો વચ્ચેના સૈન્ય સંબંધોને વધારવામાં નોંધપાત્ર યોગદાન આપે છે.