1. Home
  2. ગુજરાતી
  3. ભારતની અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં જ ફરી તેજી પકડશેઃ મૂડીઝ
ભારતની અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં જ ફરી તેજી પકડશેઃ મૂડીઝ

ભારતની અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં જ ફરી તેજી પકડશેઃ મૂડીઝ

0
Social Share

નવી દિલ્હીઃ થોડા મહિનાની રાહત બાદ ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રના આંકડાએ ફરી ચિંતા વધારી છે. સરકારી ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતનો જીડીપી વૃદ્ધિ દર ત્રિમાસિક ગાળામાં સૌથી નીચો હતો. જો કે, રેટિંગ એજન્સી મૂડીઝ એનાલિટિક્સ માને છે કે, જીડીપી વૃદ્ધિમાં આ મંદી અસ્થાયી છે અને ભારતની અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં ફરી તેજી પકડશે.

સરકારે ગયા અઠવાડિયે અર્થતંત્રના સત્તાવાર આંકડા જાહેર કર્યા હતા. આંકડાઓ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર માત્ર 4.4 ટકા હતો. ત્રણ ક્વાર્ટરમાં અર્થતંત્રની વૃદ્ધિની આ સૌથી નીચી ગતિ હતી. જીડીપી વૃદ્ધિ દરમાં ઘટાડાનું મુખ્ય કારણ ઉત્પાદનમાં મંદી અને ખાનગી વપરાશ અને ખર્ચમાં ઘટાડો હતો. ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 1.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

મૂડીઝે ઊભરતાં બજારોના આઉટલૂક પરના તેના તાજેતરના અહેવાલમાં ભારતના વિકાસ દરની ચર્ચા કરી છે. મૂડીઝનું કહેવું છે કે, ગત વર્ષના અંતમાં જીડીપી વૃદ્ધિ દરમાં થયેલો ઘટાડો અસ્થાયી છે. આ નરમાઈ માંગ બાજુના દબાણને દૂર કરવામાં મદદ કરી રહી છે. અત્યારે સ્થાનિક અર્થતંત્ર વિકાસ દર માટે એન્જિન તરીકે કામ કરી રહ્યું છે અને તેમાં સુધારાનો અવકાશ છે. બાહ્ય પરિબળોને જોતાં અહીં પણ ભારત માટે સાનુકૂળ ચિત્ર ઊભું થઈ રહ્યું છે. અમેરિકા અને યુરોપમાં સારી રિકવરી થઈ રહી છે, જે ભારતના વિકાસ દર માટે મદદરૂપ છે. અમેરિકા અને યુરોપ ભારતના સૌથી મોટા વેપારી ભાગીદારોમાં છે. આ તમામ પરિબળોને જોતા એવું લાગે છે કે ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન આર્થિક વિકાસ દરમાં જે મંદી આવી છે તે લાંબો સમય ટકી રહેવાની નથી.

ભારતની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 7 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. જોકે, ડિસેમ્બર ક્વાર્ટરની નરમાઈએ આ અંદાજને થોડો મુશ્કેલ બનાવી દીધો છે. જો અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરીથી માર્ચ 2023 દરમિયાન 5 ટકાનો વૃદ્ધિ દર હાંસલ કરે છે તો સમગ્ર નાણાકીય વર્ષ માટે સત્તાવાર અંદાજ હાંસલ કરવો શક્ય બનશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code