2027 માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.8 ટકાથી 7.2 ટકા ની વચ્ચે રહેવાનો અંદાજ
નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2026-27 પહેલા આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2025-26 રજૂ કર્યું છે. આ રિપોર્ટમાં દેશની આર્થિક સ્થિતિનું વિસ્તૃત ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે, જે મુજબ ભારત મજબૂત આર્થિક પાયા સાથે સ્થિર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે.
આર્થિક સર્વેક્ષણ મુજબ, નાણાકીય વર્ષ 2027 માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.8 ટકાથી 7.2 ટકા ની વચ્ચે રહેવાનો અંદાજ છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતની આ રફ્તાર અન્ય અર્થતંત્રોની સરખામણીએ મજબૂત ગણવામાં આવી રહી છે. સપ્લાય ચેઈનમાં સુધારો અને GST દરોના સરળીકરણને કારણે આગામી વર્ષમાં પણ મોંઘવારી અંકુશમાં રહેવાની શક્યતા છે, જેનાથી સામાન્ય ગ્રાહકોને રાહત મળશે.
સર્વેક્ષણમાં ભારતના ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની અભૂતપૂર્વ પ્રગતિની ખાસ નોંધ લેવામાં આવી છે. FY22 માં ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં સાતમા ક્રમે હતું, જે FY25 સુધીમાં ત્રીજી સૌથી મોટી નિકાસ કેટેગરી બની ગઈ છે. નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ છ મહિનામાં ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 22.2 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં જ આ સેક્ટર ભારતનું બીજું સૌથી મોટું નિકાસ ક્ષેત્ર બની શકે છે.
‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનની સફળતા મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સ્પષ્ટ દેખાય છે. વર્ષ 2015 માં મોબાઈલ ફોનનું ઉત્પાદન મૂલ્ય માત્ર રૂ. 18,000 કરોડ હતું. જ્યારે વર્ષ 2025 સુધીમાં આ મૂલ્ય વધીને રૂ. 5.45 લાખ કરોડ થઈ ગયું છે. માત્ર 10 વર્ષમાં ઉત્પાદનમાં 30 ગણો વધારો એ ભારતની વધતી મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું પ્રતીક છે.
આ આર્થિક સર્વે આગામી બજેટ માટે પાયાનું કામ કરશે. તે માત્ર વર્તમાન આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન નથી કરતું, પરંતુ સરકારની ભાવિ નીતિઓ અને નાણાકીય વ્યવસ્થાપનની દિશા પણ નક્કી કરે છે. સરકારનું ધ્યાન હવે માળખાગત સુવિધાઓ અને આત્મનિર્ભરતા પર વધુ કેન્દ્રિત જણાય છે.
આ પણ વાંચોઃ શિવમ દુબેનો વિસ્ફોટક રેકોર્ડ: યુવરાજ સિંહ-અભિષેક શર્માની ક્લબમાં થયો સામેલ


