નવી દિલ્હી: ઇન્ડિગો સંકટ આઠમા દિવસે પણ યથાવત રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એરલાઈને મંગળવારે એકલા બેંગ્લોર અને હૈદરાબાદથી લગભગ 180 ફ્લાઇટ્સ સહિત દેશભરમાં 230થી વધુ ઉડાન રદ્દ કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે ઇન્ડિગો આજે હૈદરાબાદ માટે 58 ઉડાનનું સંચાલન કરી રહી નથી, જેમાં 14 આગમન અને 44 પ્રસ્થાન ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. બેંગ્લોર એરપોર્ટ પર રદ્દ કરાયેલી ફ્લાઇટ્સની સંખ્યા 121 છે (58 આગમન અને 63 પ્રસ્થાન).
દરમિયાન, હાલના શિયાળુ સમયપત્રકમાં ઇન્ડિગો કેટલાક રૂટ અન્ય સ્થાનિક એરલાઇન્સના હાથે ગુમાવી શકે છે. ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ સ્પષ્ટ કર્યું કે સરકાર નિશ્ચિતપણે ઇન્ડિગોના સ્લોટ ઘટાડશે. નાયડુએ જણાવ્યું હતું કે, “અમે નિશ્ચિતપણે ઇન્ડિગોના (શિયાળુ) સમયપત્રકમાં જે રૂટ છે, તેની સંખ્યા ઓછી કરીશું. આ સંબંધમાં આદેશ જારી કરવામાં આવશે. આ એરલાઇન માટે એક પ્રકારનો ‘દંડ’ હશે કારણ કે તેઓ તે (ઘટાડેલા) રૂટ પર ઉડાન ભરી શકશે નહીં.”
તેમણે ઉમેર્યું કે, સમયપત્રકમાંથી ઇન્ડિગોના જે રૂટ ઓછા કરવામાં આવશે, તે અન્ય એરલાઇન્સને આપવામાં આવશે. જોકે, જ્યારે એરલાઇન તેમને સંચાલિત કરવાની ક્ષમતા બતાવશે, ત્યારે તે રૂટ ઇન્ડિગોને પાછા આપવામાં આવશે. ગુરુગ્રામ સ્થિત આ એરલાઇન ભારતની કુલ ઘરેલું હવાઈ ટ્રાફિકનો 65 ટકાથી વધુ હિસ્સો સંભાળે છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ મુશ્કેલી યથાવત્ રહી હતી. આજે ઇન્ડિગોની 16 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે, જેમાં 9 આગમન અને 7 પ્રસ્થાન ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. એરપોર્ટે ઓથોરિટીએ જણાવ્યું હતું કે, ટર્મિનલ અને રનવેમાં કોઈ સમસ્યા નથી અને મુસાફરોની સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર એક મુસાફરે જણાવ્યું, “મારે ચેન્નાઈ જવાનું હતું. મારી ફ્લાઇટ 9 ડિસેમ્બરે રાત્રે 2 વાગ્યે નક્કી હતી. મને મેસેજ મળ્યો કે તેને રાત્રે 9 વાગ્યા માટે પુનર્નિર્ધારિત કરવામાં આવી છે. હવે મારે અહીં 12 કલાક રાહ જોવી પડશે. હું બે દિવસથી હેલ્પલાઇન પર પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નથી.”
ઇન્ડિગોના કારણે એરપોર્ટ્સ પર મોટા પાયે થઈ રહેલા અવરોધોને ધ્યાનમાં રાખીને ઉડ્ડયન મંત્રાલયે નાયબ સચિવ, નિયામક અને સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓને આવનારા દિવસોમાં તમામ મુખ્ય એરપોર્ટ્સની વ્યક્તિગત સ્તરે મુલાકાત લેવા અને ત્યાંની સ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવાનો આદેશ આપ્યો છે. આમાં મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, પુણે, ગુવાહાટી, ગોવા અને તિરુવનંતપુરમ એરપોર્ટનો સમાવેશ થાય છે. દરમિયાન આજે બેંગ્લોરની 121 અને ચેન્નાઈની 41 ફ્લાઈટ્સ રદ થઈ હોવાનું જાણવા મળે છે.


